ગુજરાત સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરીંગનું હબ બનશે, ધોલેરાની જાપાનીઝ ડેલિગેશને લીધી મુલાકાત
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વર્લ્ડ ક્લાસ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે આપેલા આગવા વિઝનને અનુરૂપ ધોલેરામાં ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી 920 સ્ક્વેર કિલોમીટરમાં વિકસાવવામાં આવી રહ્યું છે.
બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉત્તમ કનેક્ટીવીટી, ઈન્ટરનેશનલ એરપોર્ટ, ફોર લેન એક્સ્પ્રેસ વે અને વિશાળ સોલાર પાર્ક જેવી શ્રેષ્ઠ સુવિધાઓનો અહીં વિકાસ થઈ રહ્યો છે તે સંદર્ભમાં ભારતમાં પોતાનાં રોકાણો-ઉત્પાદનો શરૂ કરવા માંગતી જાપાનીઝ કંપનીઓ માટે ધોલેરા ઉત્તમ પસંદગીનું સ્થળ બની રહે તેવા હેતુથી જાપાનની વિવિધ કંપનીઓનાં 70 સભ્યોનું ડેલીગેશન ધોલેરા SIRની મુલાકાતે આવ્યું હતું.
વડાપ્રધાનનાં દિશાદર્શનમાં આ ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીને સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરીંગ જેવા ઉભરતાં ક્ષેત્રમાં સ્ટ્રેટેજીક લોકેશન તરીકે વિકસાવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેમ છે. વડાપ્રધાને શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આ વર્ષની થીમ પણ ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ રાખવામાં આવેલી છે. તે અનુસંધાને જાપાનીઝ ડેલીગેશનની ધોલેરા SIRની મુલાકાત સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરીંગ જેવા ક્ષેત્રોમાં રોકાણોને પ્રોત્સાહિત કરશે.
ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DICDL)ના અધિકારીઓએ આ જાપાનીઝ ડેલીગેશનને ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી- ધોલેરાના સર્વાંગી વિકાસ અને ત્યાં ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓથી સુપેરે માહિતગાર કર્યા હતા. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (DSIRDA)ના CEO અને ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DICDL) ના મેનેજિંગ ડિરેક્ટર સુપ્રીત સિંહ ગુલાટીએ આ ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટીમાં ઈ-ગવર્નન્સ, ઈ-હેલ્થ, ઈ-એજ્યુકેશન, સેફ્ટી અને સિક્યુરિટી જેવા ક્ષેત્રોને આવરી લેતી વિવિધ ટેકનોલોજી અને સેવાઓ માટે ઓલ-ઈન-વન પ્લેટફોર્મ અને કન્ટ્રોલ સેન્ટરની પણ વિગતો આપી હતી.
ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) ના મિશન ડિરેક્ટર વિદેહ ખરે એ ધોલેરામાં સેમિકન્ડક્ટર માટે યુનિટ સ્થાપિત કરવા માટે, રાજ્ય સરકાર દ્વારા સેમિકન્ડક્ટર પોલીસી અંતર્ગત વ્યવસાયોને મળતા પ્રોત્સાહનોની ભૂમિકા આપી હતી.
NICDCના CEO એ જણાવ્યું કે, અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્તમ સુવિધાઓને કારણે ધોલેરા એક મોડેલ ઔદ્યોગિક સ્માર્ટ સિટી હોવા સાથોસાથ વ્યાપક અભિગમને કારણે ઔદ્યોગિક અને રહેણાંક વિકાસ માટે બેન્ચમાર્ક શહેર બની શકે તેમ છે એટલું જ નહીં, ધોલેરા સેમિકોન સિટી એ ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકોન ક્ષેત્રની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. રોજગાર સર્જન અને રાજ્યના ટેક લેન્ડસ્કેપને પણ વેગ આપી શકવાની ક્ષમતા ધરાવતું ધોલેરા આ વ્યવસાયો માટે એક આદર્શ રોકાણ સ્થળ છે.
ધોલેરામાં વિકસી રહેલા બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પોટેન્શિયલની પ્રત્યક્ષ અનુભુતિ કરાવવા માટે જાપાનીઝ ડેલીગેશનનાં સભ્યોને સાઇટ વિઝીટ પર લઇ જવામાં આવ્યા હતાં.
ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે, જાપાનીઝ ઉદ્યોગ- પ્રતિનિધિઓની આ મુલાકત સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગમાં ગુજરાતને અગ્રેસર રાજ્ય બનાવવાના લક્ષ્યને સાકાર કરશે. તેમણે જાપાનીઝ ડેલિગેશનને વધુ વિગતો આપતાં જણાવ્યું કે, વિશ્વકક્ષાની પ્લગ-એન્ડ-પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને કનેક્ટિવિટી સાથે, ધોલેરા SIR જાપાનીઝ કંપનીઓને ભારતમાં તેમનો વ્યાપ વધારવા માટે એક આદર્શ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ પ્રદાન કરશે.