Site icon Revoi.in

સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ છલકાવાની તૈયારીમાં, ડેમની સપાટી 18.40 ફૂટને વટાવી ગઈ

Social Share

સુરેન્દ્રનગરઃ વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરને પીવાનું પાણી પુરૂ પાડતો ધોળીધજા ડેમ 20 ફુટની સપાટી સામે હાલ 18.40 ફુટની સપાટી વટાવી ગયો છે. ડેમ છલોછલ છલકાવામાં માત્ર સવા ફુટ બાકી છે. હવે જો ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો ડેમ ઓવરફલો થવાની શકયતા રહેલી છે. ડેમ ઓવર ફલો થતા ભોગાવા નદીમાં પાણી છોડવાની શક્યતા છે. આથી નદીકાંઠે નીચાણવાળા ગામોના લોકોને તકેદારી રાખવા જણાવાયું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સીઝનનો 65 ટકા જ વરસાદ પડ્યો છે. ઉપરવાસના સારા વરસાદને કારણે તેમજ નર્મદા ડેમનું  પાણી  ધોળી ધજા ડેમમાં ઠલવાઈ રહ્યું છે .એટલે ધોળી ધજા ડેમ છલોછલ થવાની તૈયારીમાં છે.  ઉપરાંત ચોટીલા અને જસદણ તાલુકાના સીમાડે આવેલો ત્રીવેણી ઠાંગા ડેમ ફરી એકવાર ઓવરફલો થયો છે. જયારે સાયલા શહેરને પીવાનું પાણી આપતો થોરીયાળી ડેમ હજુ 17 ટકા જ ભરેલો છે. બીજી તરફ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરની સાથે બોટાદ, રાજકોટ, જામનગર, કચ્છ સુધી પીવાનું પાણી આપતો સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઉપરવાસમાં વરસાદ અને નર્મદાના પાણીથી હીલોળા લઈ રહ્યો છે. સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમની 20 ફૂટની ક્ષમતા સામે હાલ ડેમ 18.40 ફૂટથી ભરાયેલો છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે, તેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદની શકયતા દર્શાવાઈ છે. જો ઉપરવાસમાં સારો વરસાદ પડે તો ધોળીધજા ડેમ ઓવરફલો થવાની શકયતા રહેલી છે. જો ધોળીધજા ડેમ ઓવરફલો થાય તો તેના પાણી ભોગાવા નદીમાં આવી શકે છે અને આ પાણી જિલ્લાના વઢવાણ, લીંબડી તાલુકાના નીચાણવાળા ગામોના લોકોએ અસર કરી શકે છે. આથી નીચાણવાળા ગામોના લોકોને સાવચેત રહેવા જણાવાયુ છે. ધોળીધજા ડેમમાં હાલ 1930 કયુસેક પાણીની આવક કેનાલ થકી થઈ રહી છે. જેની સામે 486 કયુસેક સૌની યોજનામાં અને 1500 કયુસેક પાણી કેનાલ વાટે આઉટફલો થઈ રહ્યો છે. આમ, કુલ 1930 કયુસેક પાણીની આવક સામે 1986 કયુસેક પાણીની જાવક રહેલી છે.