Site icon Revoi.in

ભાવનગર જિલ્લામાં ડુંગળીના પાકની ધૂમ આવક, તળાજા અને મહુવાના માર્કેટયાર્ડ છલકાયાં

Social Share

ભાવનગરઃ ગોહિલવાડમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર તળાજા અને મહુવા પંથકમાં થયું હતું. આ વર્ષે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ડુંગળીના વાવેતરમાં વધારો થયો હતો. જિલ્લામાં હાલ ડુંગળીની ધૂમ આવક શરૂ છે. અને ભાવનગર તથા મુહવા-તળાજાના માર્કેટ યાર્ડમાં હજારો ગુણી ડુંગળીનો ભરાવો થઇ ગયો છે ત્યારે આ વર્ષે ગત વર્ષની તુલનામાં ભાવનગર જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં 12 હજાર હેકટરનો વધારો થયો હતો. ટકાવારીની દ્રષ્ટિએ ગણીયે તો આ વર્ષે ડુંગળીના વાવેતરમાં 45.80 ટકાનો વધારો થયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં આ વર્ષે હાલ ભાવનગર, મહુવા,તળાજા જેવા ડુંગળીના મુખ્ય ઉત્પાદક પંથકના માર્કેટ યાર્ડ ગરીબોની કસ્તૂરીની આવકથી છલકાઇ ગયા છે. સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લો ડુંગળીના ઉત્પાદનમાં વર્ષોથી નંબર વન છે. ત્યારે ગત વર્ષે જાન્યુઆરીના અંતિમ તબક્કામાં ડુંગળીનું ગોહિલવાડ પંથકમાં વાવેતર 26,200 હેકટરમાં થયું હતુ. તે આ વર્ષે વધીને 36,200 હેકટરમાં થયું છે. એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે વાવેતરમાં 12,000 હેકટરનો વધારો થયો છે. ટકાવારીની દ્રષ્ટિએ આ 45.80 ટકા એટલે કે 46 ટકાનો વધારો ગણી શકાય.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાવનગર જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં વર્ષોથી ડુંગળીનું સર્વાધિક વાવેતર અને ઉત્પાદન થાય છે. ત્યારે આ વર્ષે જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાતભરમાં ડુંગળીનું કુલ વાવેતર વધીને 88,400 હેકટર થયું છે અને તેની સામે ભાવનગર જિલ્લામાં વાવેતર 38,200 હેકટર થયું છે. એટલે કે રાજ્યના કુલ વાવેતરના 43.21 ટકા ડુંગળીનું વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. આમ ભાવનગર જિલ્લામાં આ વખતે ડુંગળીના વાવેતરના ભારે રસ જોવા મળ્યો છે અને 12,000 હેકટરનો વધારો થયો છે. ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં આ વર્ષે ડુંગળીના વાવેતરમાં વધારો નોંધાયો છે. ગત વર્ષે જાન્યુઆરીના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 60,547 હેકટરમાં થયું હતુ તે આ વર્ષે 27,853 હેકટર વધીને 88,400 હેકટર થઇ ગયું છે. (file photo)