રાજકોટ માર્કેટયાર્ડમાં લાલ મરચાની ધૂમ આવક, સ્ટોક ખલાસ ન થાય ત્યાં સુધી હરાજી બંધ
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગોંડલ વિસ્તારમાં મરચાનું એવું ઉત્પાદન થયું છે. ગોંડલના માર્કેટયાર્ડમાં લાલ મરચાના ઢગલાં જોવા મળી રહ્યા છે. જ્યારે રાજકોટ યાર્ડમાં પણ લાલ મરચાની આવક શરૂ થઈ ચૂકી છે. હાલ યાર્ડમાં લાલ મરચાની ચીકકાર આવક થઈ રહી છે. પરંતુ સામે નિકાલ ન થતા હાલ આવક પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. યાર્ડમાં 2000 થી 3000 ભારીની આવક થઈ છે. જેની સામે 500 ભારીનો જ નિકાલ કરી શકાયો છે એટલે માર્કેટ યાર્ડમાં મરચાનો સ્ટોક વધી જતાં મરચાની હરાજી કામચલાઉ બંધ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના માર્કેટ યાર્ડમાં મરચાનો ભરાવો થઈ જતા હાલ આવક પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. યાર્ડમાંથી તમામ માલની નિકાલ થઈ જાય ત્યાર બાદ નવામાલને લાવવાની મંજુરી અપાશે એક મહિના પહેલાથી આવક શરૂ થઈ ચુકી છે. યાર્ડમાં મરચાનો 20 કિલોનો ભાવ 940-3050 સુધી તેમજ કિલે લેખે 47 થી 152 બોલાયા હતા. મરચાની મબલક આવક છે પરંતુ જીરૂ ધાણાની આવક ઘટી છે. અત્યાર સુધીમાં અનેકવાર કમોસમી વરસાદ પડવાની કારણે ધાણા-જીરૂનો પાક નિષ્ફળ ગયો હોવાનું કહેવાય છે.
ખેડુતોના કહેવા મુજબ આગોતરા જીરા અને ધાણાના પાકને છેલ્લા બે માવઠાના રાઉન્ડમાં ઘણી માઠી અસર થઈ છે. છેલ્લા એક સપ્તાહથી જીરાની આવક ઘટવાની ગણતરીએ બજારોમાં તેજીનો માહોલ ઉભો કર્યો છે. 27 જાન્યુઆરીના રાજકોટમાં 18 બેગ નવા જીરાની આવક સામે રૂ।.4000ના ભાવ હતા.સરેરાશ જીરામાં રૂ।.3300 થી રૂ।.3450 અને સારા જીરામાં રૂ।.3600ની રૂ।.3700ના ભાવ હતાં.