રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 28મી મે ના રોજ આટકોટ ખાતે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણ માટે આવતા હોવાથી તેની તૈયારીના ભાગરૂપે આટકોટમાં ચાર હેલિપેડ બનાવવાનું શરૂ કરાયુ છે. વડાપ્રધાનના આગમનને લઈને વહિવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ રાજકિય પક્ષોએ સૌરાષ્ટ્રમાં ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટ જિલ્લામાં પાટિદારાનું સારૂએવુ વર્ચસ્વ છે. અને એક સમાજ દ્વારા આટકોટમાં હોસ્પિટલનું નિર્માણ કરાયુ છે. ત્યારે વડાપ્રધાનના હસ્તે હોસ્પિટલનું લોકાર્પણ કરાશે, તા. 28મી મેના રોજ વડાપ્રધાનનો કાર્યક્રમ મહત્વનો બની રહેશે. આટકોટની સાથોસાથ ગાંધીનગર ખાતે પણ તારીખ 28મીના રોજ વડાપ્રધાનનો કાર્યક્રમ યોજવાનો છે. તેથી વડાપ્રધાન ગાંધીનગરથી આટકોટ ખાતે વાયુ સેનાના હેલિકોપ્ટરમાં આવશે કે રાજકોટ એરપોર્ટ પર પ્લેનમાં આવીને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા આટકોટ જશે તે હજુ ફાઈનલ ન હોવાથી બંને તરફની તૈયારીઓ રાખવામાં આવી છે. જોકે મોટાભાગે વડાપ્રધાન રાજકોટથી હેલિકોપ્ટર દ્વારા આટકોટ જશે. ઉનાળાની કાળજાળ ગરમીને ધ્યાનમાં રાખી અલગ અલગ પાંચ ડોમ શ્રોતાઓ માટે રાખવામાં આવ્યા છે. ત્રણથી ચાર લાખ શ્રોતાઓ આવશે તેવો દાવો ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કર્યો છે. તેને ધ્યાનમાં રાખીને ડોમ, પીવાના પાણી અને જમવાની વ્યવસ્થા કાર્યક્રમના સ્થળે રાખવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર કાર્યક્રમ આમ તો ખાનગી સંસ્થાનો અને ભાજપનો હોવા છતાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ, પાર્કિગ, સ્ટેજ, એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર જેવી વ્યવસ્થા તત્રં દ્રારા કરવામાં આવશે. મોટાભાગે કાર્યક્રમ સવારના ૧૦:૦૦ વાગ્યાની આસપાસ યોજાશે. વડાપ્રધાનની સાથે તેનો સિકયુરિટી સ્ટાફ, દિલ્હીના અધિકારીઓ, કમાન્ડો વગેરેનો મોટો કાફલો આવવાનો હોવાથી સર્કિટ હાઉસ સહિતના સરકારી ગેસ્ટ હાઉસ બે ત્રણ દિવસ અગાઉથી જ રિઝર્વ રાખી દેવાશે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં પણ વડાપ્રધાનના પ્રોટોકોલ મુજબની તમામ વ્યવસ્થા કરવામાં આવશે.