Site icon Revoi.in

દ્વારકાના જગત મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધૂમ તૈયારીઓઃ મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારાયું

Social Share

દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના દ્વારકાધિશના મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ ચાલી રહી છે.  જગત મંદિરમાં જન્માષ્ટમીનો સૌથી મોટો ઉત્સવ ભાવિકોની હાજરીમાં ઉજવવાનો નિર્ણય લેવાયો હતો જેના પગલે ઉત્સવ સંબંધિત તમામ તૈયારી અને વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. જગત મંદિર રૂટ પર ખાસ બેરીકેટ ગોઠવી દર્શનાર્થીઓ માટે વ્યવસ્થાઓ નિયત કરાઇ રહી છે. જયારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરાશે.

દ્વારકાના જિલ્લા કલેકટર દ્વારા પાર્કીગ સંબંધિત જાહેરનામાં પ્રસિધ્ધ કરાયા છે. જેમાં જાહેરનામા મુજબ પુર્વ દરવાજાથી માણેક ચોક સુધી પુર્વ દરવાજાથી ભથાણ ચોક સુધી 50 મીટર ત્રીજયામાં, જોધાભા માણેક ચોકથી શીવરાજસિંહ રોડ ઇસ્‍કોન ગેઇટ સુધી 100 મીટરની ત્રિજયા, ત્રણ બતી ચોકથી મહાજન બજાર ચાર રસ્તા ત્રણ બતી ચોકથી ભદ્રકાલી રોડ સુધી 50 મીટરની ત્રીજયા, હોમગાર્ડ ચોકથી ત્રણબતી ચોક હોમગાર્ડ ચોકથી શાક માર્કટ ચોક સુધી 50 મીટર ત્રિજયા, શાક માર્કેટ ચોકની આજુબાજુનો વિસ્તાર 50 મીટર ત્રિજયા, એસટી ડેપોના આજુબાજુના વિસ્તાર 100 મીટર ત્રિજયામાં, કિર્તિ સ્તંભની આજુબાજનો 200 મીટરનો વિસ્તાર તેમજ સુદામા ચોક આજુબાજુનો 200 મીટરનો વિસ્‍તાર અને ભથાણ ચોક આજુબાજુનો 200 મીટર વિસ્તારનો ‘ નો-પાર્કિંગ ઝોન’ તરીકે તેમજ પ્રજાપતિની વાડી સામે આર્યલેન્ડ એપ્રોચ રોડ, સર્કિટ હાઉસ પાછળનું ખુલ્લું મેદાન, શારદાપીઠ કોલેજનું ખુલ્લું મેદાન એસટી રોડ, રાજપુત સમાજ સામે ગોમતી ઘાટ ખુલ્લું મેદાન, સ્વામિનારાયણ મંદિર પાછળનું ગ્રાઉન્ડ અને હાથીગેઇટ પાર્કીંગ વ્યવસ્થાનો પાર્કિંગ ઝોન’’ તરીકે ઉપયોગ કરી શકાશે. 29/08ના સવારના 6થી 31-08ના રાત્રીના 12 વાગ્યા સુધી રહેશે.

યાત્રાધામ દ્વારકા જગત મંદિરમાં જન્માષ્ટમીના તહેવારો સંદર્ભે દર્શન માટે જગત મંદિરે ડીવાયએસપી સમીર સારડા સાથે પાંચ ડીવાયએસપી, નવ પો.ઇ., 25 જેટલા પીએસઆઈ તથા જીઆરડી, હોમગાર્ડ, પોલીસ, એસઆરપી તથા એલઆરડીના 1100 જવાનો તથા 100 અધિકારીઓ દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ છે. જેમાં ટ્રાફિકમાં પાર્કિંગ પૂરું થાય તેમ બીજું પાર્કિંગ તથા હાથી ગેઇટ પાર્કિંગ કીર્તિ સ્તંભથી છપન સીડીથી એન્ટ્રી અને મોક્ષ દ્વારથી નીકળવા આયોજન છે.

દ્વારકાના જગતમંદિરે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવાની સાથે જીલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા દ્વારકા ઉપરાંત જન્માષ્ટમી પર્વે બેટ દ્વારકા અને નાગેશ્વર ખાતે આવતા યાત્રિકોને અનુલક્ષીને ત્યાં પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.