Site icon Revoi.in

ધોરાજી સહિત માર્કેટ યાર્ડ્સમાં ડુંગળીની ધૂમ આવક, પોષણક્ષમ ભાવ ન મળતા ખેડુતોમાં નિરાશા

Social Share

રાજકોટઃ જિલ્લાના ધોરાજી પંથકમાં આ વર્ષે  સારા ભાવ મળવાની આશાએ ડુંગળીનું  પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું હતું. અને સાનુકૂળ વાતાવરણને લીધે  આ વખતે ડુંગળીના પાકનું સારૂએવું ઉત્પાદન થયું છે. જો કે સારુ ઉત્પાદન હોવા છતાં ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળી રહ્યા નથી. જેના કારણે ખેડૂતોમાં નારાજગી સાથે નિરાશા જોવા મળી રહી છે.  ધોરાજી પંથકમાં છેલ્લા બે વર્ષથી  ખેડુતો પર જાણે કુદરત રૂઠી હોઈ એવું લાગી રહ્યું છે. કોરોનામાં નુકસાન ગયા બાદ ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાએ ડુંગળીનું વાવેતર કર્યું હતું. ડુંગળીના ભાવ એક અઠવાડિયા પહેલાં પ્રતી મણ ના 400થી 500 મળી રહ્યા હતા, પરંતુ અચાનક જ ડુંગળીના ભાવ ગગડી જતાં ખેડૂતોને વાવેતરથી લઈ અને ઉત્પાદન સુધી કરેલો ખર્ચ પણ નીકળી શકે એમ નથી.

સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટયાર્ડમાં ડુંગળીના પાકની સારીએવી આવક થઈ રહી છે. ખેડૂતોને હાલ પ્રતિ મણ ડુંગળીના 150 રૂપિયા મળી રહ્યા છે. જે ખેડૂતોને પરવડે એમ નથી. હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક જોવા મળી રહી છે. સામે ભાવ પૂરા ના મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોને કોરોનામાં લોકડાઉનમાં સારી ઉપજ હોવા છતા ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાના કારણે પાક વેચી શકાતો ન હતો. બાદમાં વારંવાર કમોસમી વરસાદ અને વાતાવરણમાં બદલાવના કારણે પાકમાં નુકસાન થયુ હતુ. જેમ તેમ કરીને સારી આવક મેળવવાની આશાએ ખેડૂતોએ ડુંગળીનો પાક વાવ્યો હતો. જો કે તેમાં પણ જીવાત પડવાને આરે હતી. જોકે પાકને બચાવવા ખેડૂતોએ હજારો રુપિયાનો ખર્ચ કર્યો. જેમ તેમ કરીને ખેડૂતોએ ડુંગળીનું ઉત્પાદન કર્યુ છે. જો કે ખેડૂતોને તેના સારા ભાવ મળી રહ્યા નથી.

ખેડૂત આગેવાનોએ જણાવ્યુ હતું કે, સતત આકાશી અને માનવસર્જિત આફતોનો સામનો કરી ચૂકેલા ખેડૂતો હવે આર્થિક રીતે તૂટી ગયા છે. હવે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જેને કારણે ભાવ ગગડયા છે, ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવે તો ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તેમ છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ રહી છે. પ્રતિ દિવસ અંદાજિત 3થી 4 હજાર કટ્ટા ડુંગળીની આવક નોંધાઈ રહી છે. યાર્ડના ચેરમેનનું કહેવું છે કે હાલ ડુંગળીના ભાવ ક્વોલિટી પ્રમાણે મળી રહ્યા છે પ્રતિ મણના ભાવ 150થી 250 સુધી મળી રહ્યા છે.