ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા મથકો પર કિડનીના દર્દીઓ માટે ડાયાલિસીસ કેન્દ્ર શરૂ કરાયા બાદ કોઈ દર્દીઓ આઈસીયુ કે વેન્ટીલેટર પર હોય તેવા દર્દીઓ માટે સ્થળ પર સારવાર આપવા માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં 33 ડાયાલિસીસ ઓન વ્હીલની સુવિધા આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના સહયોગથી સિવિલની કિડની હોસ્પિટલ દ્વારા કિડની ડાયાલિસીસના દર્દીઓ માટે રાજ્યમાં વિવિધ સ્થળો પર ડાયાલિસીસ સેન્ટર શરૂ કર્યાં છે, પરંતુ જે દર્દીઓ આઇસીયુમાં કે વેન્ટિલેટર પર સારવારમાં હોય તેવા દર્દી સેન્ટર સુધી લાવવામાં જીવનું જોખમ સર્જાઇ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યના દરેક જિલ્લામાં 33 ડાયાલિસીસ ઓન વ્હીલ દ્વારા દર્દીને જ્યાં દાખલ હોય ત્યાં એક કલાકમાં જઇને ડાયાલિસીસની સુવિધા અપાશે.
શહેરના સિવિલના કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, જે દર્દી રાજ્યની કોઇ પણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હોય અને તેમાંય આઇસીયુ કે વેન્ટિલેટર પર હોય તેવાં દર્દીને ડાયાલિસીસ સેન્ટર સુધી ટ્રાન્સફર કરવામાં અંદાજે 20 ટકા મૃત્યુદર હોય છે, પરંતુ આવા દર્દીને જે તે હોસ્પિટલમાં દાખલ હોય તે સ્થળ પર જ ડાયાલિસીસની સુવિધા મળી રહે તે માટે રાજ્યના દરેક જિલ્લામાં 33 ડાયાલિસીસ ઓન વ્હીલ શરૂ કરાશે. પ્રત્યેક ડાયાલિસીસ ઓન વ્હીલમાં એકથી બે ડાયાલિસીસ મશીન, ડાયાલિસીસના ડિસ્પોઝેબલ, પોર્ટેબલ આરઓ મશીન કે આરઓ પાણીના કેરબા તેમ જ વાનમાં એક મશીન હોય તો 1 ટેકનિશિયન અને બે સર્વન્ટ, એક ડ્રાઇવર હશે.