ગુજરાત વિકાસની પ્રગતિની વધુ એક મોટી હરણફાળ ભરવા જઇ રહ્યું છે. 17મી ડિસેમ્બરે હીરાનગરી સુરતમાં હીરાના વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સનું વડાપ્રધાન મોદીના હસ્તક લોકાર્પણ થશે. અત્યાર સુધી સુરતમાં માત્ર રફ ડાયમંડને પોલિશ્ડ કરવાનું કામ થતુ હતુ પરંતુ હવે વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ બનશે.
1.48 લાખ ચોરસમીટરમાં 2500 કરોડના ખર્ચે તૈયાર થનાર ડાયમંડ બુર્સમાં વર્ષે 2 લાખ કરોડ કરતા વધુ હીરાનો વેપાર થશે અને વિશ્વના 175 કરતા વધુ દેશના બાયર્સ આવશે. નવ ટાવર અને 15 માળ ધરાવતી SDB બિલ્ડીંગમાં આશરે 4500 ડાયમંડ ટ્રેડિંગ ઓફિસો છે. SDB મીડિયા કોઓર્ડિનેટર દિનેશ નાવડિયાએ જણાવ્યું કે ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદી SDB બિલ્ડિંગ પાસે લોકોને સંબોધિત કરશે.
એટલું જ નહિ, આ નવ ટાવરમાં પથરાયેલ બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ છે, નવીનીકરણ અને ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ એવું પ્લેટિનિયમ ગ્રેડેશન પણ ધરાવે છે. વિશ્વની શ્રેષ્ઠ તમામ સવલતો ઉપલબ્ધ છે. ગુજરાતમાં સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક-ચારણકા, વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ જેવા એનેક આયામોથી ગુજરાતની અલગ આગવી ઓળખાન છે. એવી જ રીતે સુરતનું ડાઈમંડ બુર્સ પણ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફીસ બનશે. દેશ-વિદેશના ડાઈમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેને લીધે દેશ અને રાજ્યના અર્થતંત્રને લાભ થશે, તેમજ હજારો લોકોને રોજગારીની તકો મળશે.
મહત્વની વાત એ છે કે, કોઈ એક વ્યક્તિ કે કોઈ એક કંપની નહી, પણ 4,200 જેટલા વેપારીઓએ મળીને સુરત ડાઈમંડ બુર્શે પ્રોજેક્ટ સાકાર કર્યો છે.