Site icon Revoi.in

સુરતમાં ડાયમંડ બુર્સમાં કામકાજ શરૂ, વધુ 200 દલાલોએ કરાવ્યું રજિસ્ટ્રેશન

Social Share

સુરતઃ શહેર નજીક ખાદોજ ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે ડાયમન્ડ બુર્સ નિર્માણ કરવામાં આવ્યું છે. અને મહિનાઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડાયમન્ડ બુર્સનું લોકાર્પણ કર્યુ હતુ. ત્યારબાદ ડાયમંડ બુર્સને ધમધમતુ કરવા માટે કમિટી મેમ્બરો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જેના માટે મહિધરપુરા અને મીની બજારમાં વેપાર કરતાં 40 મોટા ટ્રેડરો દ્વારા દશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસનું ઉદ્દઘાટન કરી વેપારની શરૂઆત કરવામાં આવી હતી. દલાલોને એન્ટ્રી માટે સુરત ડાયમંડ બુર્સમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. દશેરાના દિવસે 200 દલાલ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. અત્યારસુધીમાં કૂલ 700 દલાલ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. કૂલ 1000 દલાલોની રજીસ્ટ્રેશન કરવામાં આવશે.

સુરતમાં કરોડો રૂપિયાના ખર્ચે ડાયમન્ડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. હીરાના વેપારીઓ એક જ સ્થળેથી ધંધાનો કારોબાર કરી શકે એવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ અંગે મથુર સવાણીએ કહ્યું હતું કે, ડાયમંડ બુર્સ સાચા અર્થમાં શરૂ થઈ ચૂક્યું છે અને દલાલ મિત્રોને જવાબદારી સોંપી હતી કે, અન્ય જે વેપારીઓએ ઓફિસ શરૂ કરવાની બાકી છે તેમને પણ એસડીબીથી ઓફિસ શરૂ કરવા માટેની જાણ કરે. દરમિયાન કમિટી મેમ્બર વલ્લભ લખાણીએ કહ્યું હતું કે, અમારી કંપની દ્વારા અત્યાર સુધીમાં 19 મિલિયન ડોલર (151 કરોડ રૂપિયા)ના હીરાનું સેલિંગ થયું છે. જેમાંથી 14 મિલિયન ડોલરનું (117 કરોડ રૂપિયાના હીરા)નું એક્સપોર્ટ કર્યું છે. હવે પછી અમારી કંપની દ્વારા સંપૂર્ણ રફનું ઈમ્પોર્ટ પણ એસડીબીમાં કરવામાં આવશે.

સુરત ડાયમંડ બુર્સના વાઈસ ચેરમેન લાલજી પટેલે જણાવ્યુ હતું કે, 4 હજાર સભ્યોનું સપનું હતું કે, એસડીબી બનાવવનું પરંતુ એસડીબીને વર્લ્ડ ક્લાસ બનાવવું તે કમિટી મેમ્બરનું સપનું હતું જે આજે સાકાર થતું હોય તેવું લાગે છે. બુર્સને ધબકતુ કરવું તે એક વ્યક્તિની જવાબદારી નથી, સામૂહક જવાબદારી છે.