હીરા ઉદ્યોગમાં ભરપૂર તેજી, રત્ન કલાકારોને દિવાળીઃ રવિવારે પણ કારખાના ચાલુ રખાય છે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકારે નિયંત્રણો પણ હળવા કરતા રોજગાર-ધંધા રાબેતા મુજબ બન્યા છે. અન્ય રોજગાર ધંધામાં હજુ થોડી મંદી જોવા મળી રહી છે, ત્યારે હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં હીરાની ડિમાન્ડ વધારે હોવાથી અમદાવાદ અને સુરતના ડાયમંડ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ વતન ગયેલા કર્મચારીઓ પરત ન ફરતાં સમયસર પ્રોડક્શન નિકળતું નથી. સુરતમાં શહેરમાં 2 લાખ જેટલાં હીરાના કારીગરોની ઘટ પડી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકા, યુએસ હોંગકોંગમાં કોરોના ઘટી ગયો છે અને ત્યાં લોકડાઉન નથી જેના કારણે હીરાની ડિમાન્ડમાં ખૂબ જ તેજી આવી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એક્સપોર્ટ પણ વધવાની શક્યતા છે. સાથે સાથે સુરત શહેરમાં બનતી ડાયમંડ જ્વેલરીની પણ ઈન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ વધી છે. હીરામાં તેજી છે પરંતુ કારીગરોની અછત સર્જાતી હોવાથી હીરા કારખાનેદારોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં 4 હજાર જેટલા નાના મોટા હીરાના યુનિટો છે. જેમાં અંદાજે 10 લાખથી વધારે રત્નકલાકારો કામ કરે છે. પરંતુ કોરોનાની પહેલી લહેર અને બીજી લહેરમાં રત્નકલાકારો વતનમાં જતાં રહ્યા હતાં. જેમાંથી મોટા ભાગના હજી પરત ફર્યા નથી. હાલ સુરત શહેરમાં 2 લાખ કર્મીની અછત વર્તાઈ રહી છે.
હીરામાં હાલ તેજી છે, પરંતુ કોરોની પહેલી લહેરમાં વતન ગયેલા કર્મચારીઓ પરત ફરતાં તેની અસર હીરા માર્કેટ પર થઈ રહી છે. હાલ શહેરની મોટા ભાગની કંપનીઓમાં 20થી 25 ટકા સુધી કર્મચારીઓની અછત વર્તાઈ રહી છે. જેના કારણે મોટી હીરા કંપનીઓ પ્રોડક્શન ટાઈમ પર પુરુ કરવા માટે મહિનાના ચાર રવિવારમાંથી 3 રવિવાર અડધો દિવસ હીરાનું કારખાનું શરૂ રાખે છે. સુરત ડાયમંડ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, હાલ અમેરિકા, યુએસ હોંગકોંગમાં કોરોના ઘટી ગયો છે અને ત્યાં લોકડાઉન નથી જેના કારણે હીરાની ડિમાન્ડમાં ખૂબ જ તેજી આવી છે.પરંતુ કર્મચારીઓની ઘટ પડી રહી છે. શહેરમાં 20 ટકા જેટલા કર્મચારીઓની ઘટ પડી રહી છે.