નવી દિલ્હીઃ ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ બ્રસેલ્સમાં ડાયમંડ લીગ ફાઇનલમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં 87.86 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. તેણે આ સ્પર્ધામાં સતત બીજી વખત બીજું સ્થાન મેળવ્યું હતું. આ વખતે તે માત્ર એક સેન્ટિમીટરથી ટાઈટલ ચૂકી ગયો. સ્પર્ધાના વિજેતા એન્ડરસન પીટર્સે 87.87 મીટરનો થ્રો કર્યો હતો.
બે વખતના વર્લ્ડ ચેમ્પિયન ગ્રેનાડાના પીટર્સે તેના પહેલા જ પ્રયાસમાં શ્રેષ્ઠ થ્રો કર્યો હતો. જર્મનીના જુલિયન વેબર 85.97 મીટરના થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો. ટોક્યો ઓલિમ્પિક ચેમ્પિયન ચોપરાએ ગયા મહિને પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.