ડાયમંડ લીગ સિરીઝ : નીરજ ચોપરા આજે દોહામાં મચાવશે ધમાલ,90 મીટરનો અવરોધ તોડી શકશે ?
મુંબઈ : ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ફરી એકવાર પોતાનું કૌશલ્ય બતાવવા જઈ રહ્યા છે. નીરજ ચોપરા શુક્રવારે (5 મે)ના રોજ દોહા ડાયમંડ લીગમાં પોતાનો પડકાર રજૂ કરશે. ડાયમંડ લીગ સિરીઝનો પ્રથમ તબક્કો કતારની રાજધાની દોહામાં યોજાઈ રહ્યો છે અને નીરજ ચોપરા તેમાં જોરદાર પ્રદર્શન કરીને સિઝનની શાનદાર શરૂઆત કરવા ઈચ્છે છે.
કતર સ્પોર્ટ્સ ક્લબમાં યોજાનારી ઈવેન્ટ્સમાં નીરજ ચોપરાને વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા), ટોક્યો ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા જેકબ વાડલેજ (ચેક રિપબ્લિક) જેવા ખેલાડીઓ પડકારશે. આવી સ્થિતિમાં ગત વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર નીરજ માટે સ્પર્ધા આસાન બની રહી નથી.
દોહા ડાયમંડ લીગ 2023 ભારતમાં Sports18 1 અને Sports18 1 HD ચેનલો પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ સાથે જ આ ઈવેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ અને તેની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ હશે. નીરજ ચોપરાનો કાર્યક્રમ ભારતીય સમય અનુસાર 5 મે (શુક્રવાર)ના રોજ રાત્રે 10.14 વાગ્યે શરૂ થશે.
નીરજનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 89.94 મીટર છે, જે એક રાષ્ટ્રીય રેકોર્ડ પણ છે. તેણે 2018માં દોહા ડાયમંડ લીગમાં તેની એકમાત્ર સહભાગિતામાં 2018માં 87.43m સાથે ચોથું સ્થાન મેળવ્યું હતું. નીરજ ‘એકંદર ફિટનેસ અને સ્ટ્રેન્થ’ના અભાવે ગયા વર્ષે દોહા ડાયમંડ લીગ ચૂકી ગયો હતો. ગયા સપ્ટેમ્બરમાં ઝ્યુરિચમાં 2022 ગ્રાન્ડ ફિનાલે જીત્યા બાદ તે ડાયમંડ લીગ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો હતો. એક મહિના અગાઉ, તે લૌઝેનમાં ડાયમંડ લીગ મીટ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો.