ગાંધીનગરઃ શહેર નજીક આવેલા ઉવારસદ ગામમાં ઝાડા-ઊલટીના કેસોને લીધે ઉવારસ ગામથી બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. ઉવારસદમાં એક કિશોર ઝાડા-ઊલટીમાં સપડાયો હતો. સારવાર છતાં તબિયતમાં સુધારો નહીં થતાં વધુ સારવાર દરમિયાન કિશોરને કોલેરા થયો હોવાનો રિપોર્ટ આવ્યો હતો. તેના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા ઉવારસદમાં આવેલા ઇંટોના ભઠાના બે કિલોમિટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. તે અંગેનું જાહેરનામું પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે અને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે ગાંધીનગર મામલતદારની નિમણૂંક કરવામાં આવી છે.
જિલ્લાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરના ઉવારસદ ગામમાં પરિવારના એક કિશોરની તબિયત છેલ્લા અઠવાડિયાથી નાદુરસ્ત હતી. તે ઝાડા-ઊલટીમાં સપડાયો હતો. સ્થાનિક કક્ષાએથી સારવાર કરાવવા છતાં તબિયતમાં કોઇ સુધારો જણાયો ન હતો. જેથી વધુ સારવાર દરમિયાન બિમારીના નિદાનમાં કિશોરનો કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના પગલે ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ છે. જે અન્વયે સર્વે સહિતની કામગારી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા આરોગ્ય વિભાગ હસ્તકના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં ડોર ટૂ ડોર સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. તે દરમિયાન ઝાડા-ઊલટીની અસર ધરાવતા વધુ 2થી 3 દર્દી મળી આવ્યા હતાં. તેના નિદાન માટે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે ઇંટોના ભઠામાં કામ કરતા તમામ મજુર સહિતના કામદારોના આરોગ્યની ચકાસણી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં જણાવાયુ છે કે, ઉવારસદ ગામમાં કર્ણાવતી યુનિવર્સિટી નજીકના ઇંટોના ભઠાની આજુ બાજુનો બે કિલોમીટર વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. જાહેરનામુ પ્રસિધ્ધ થયાની તા. 30મી ડિસેમ્બર 2023થી આગામી ત્રણ માસ સુધી અમલમાં રહેશે. (File photo)