નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારને તે સમયે મોટો આંચકો લાગ્યો હતો, જ્યારે બિહારમાં મહાગઠબંધનના નેતૃત્વ કરનારી લાલુ યાદવની પાર્ટી આરજેડીએ બેગૂસરાયની બેઠક સીપીઆઈના ખાતામાં આપી દીધી. તેની સાથે જ 2019માં ગિરિરાજસિંહની વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉભેલા કન્હૈયા કુમારને નિરાશા હાથ લાગી. હવે ખબર આવી રહી છે કે કોંગ્રેસ પાર્ટી પોતાના આ સ્ટાર કેમ્પેનરને દિલ્હીની એક બેઠક પરથી ચૂંટણી અખાડામાં ઉતારી શકે છે.
કોંગ્રેસ સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, કોંગ્રેસ કન્હૈયા કુમારને દિલ્હીની ઉત્તર-પૂર્વ બેઠક પરથી ઉમેદવાર બની શકે છે. તેમના નામ પર આખરી મ્હોર આગળ થનારી કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં લાગી શકે છે. જો કોંગ્રેસ તેમને પોતાના ઉમેદવાર બનાવે છે, તો તેમનો મુકાબલો દિલ્હી ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ મનોજ તિવારી સાથે થશે. મનોજ તિવારી 2014 અને 2019ની ચૂંટણીમાં આ બેઠક પરથી મેળવી ચુક્યા છે.
2019ના લોકસભા ચૂંટણીમાં કન્હૈયા કુમાર લેફ્ટની ટિકિટ પર બેગૂસરાય બેઠકથી ચૂંટણી મેદાનમાં હતા. જો કે તેમને તે ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડયો હતો. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે શાનદાર જીત મેળવી હતી. કન્હૈયા કુમાર તેના પછી સપ્ટેમ્બર, 2021માં લેફ્ટ છોડીને કોંગ્રેસમાં જોડયા હતા. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા દરમિયાન તેઓ મોટાભાગે તેમની સાથે જોવા મળતા હતા.
મહત્વપૂર્ણ છે કે આ લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું. કોંગ્રેસના ખાતામાં ત્રણ બેઠકો ગઈ છે. કોંગ્રેસે ત્યાર સુધીમાં ત્રણમાંથી કોઈપણ બેઠક પરથી ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી.