સ્ટેટ જીએસટી કચેરીનો મોટાભાગનો સ્ટાફ ચૂંટણીની ડ્યુટીમાં જોડાતા વેપારીઓને પડતી મુશ્કેલી
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કામગીરીમાં કેન્દ્રિય અને રાજ્ય સરકારના કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવ્યા છે. જેમાં સ્ટેટ જીએસટી વિભાગની કચેરીના મોટાભાગના કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી હોવાથી જીએસટીની કચેરી ખાલીખમ જોવા મળી રહી છે. તેના લીધે રોજબરોજ વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. જીએસટીને લગતી કામગીરી થંભી ગઈ છે. જેમાં મુખ્યત્વે નવા નંબરો આપવાનું તેમજ આઈટીસી આપવાનું કામ બંધ થતાં કરદાતા પરેશાન છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સ્ટેટ જીએસટીના 90થી 98 ટકા સ્ટાફને કામગીરી સોંપવામાં આવી હોવાથી જીએસટીને લગતી કામગીરી થંભી ગઈ છે. જેમાં મુખ્યત્વે નવા નંબરો આપવાનું તેમજ આઈટીસી આપવાનું કામ બંધ થતાં કરદાતા પરેશાન છે. જીએસટીના કર્મચારીઓ ડિસ્પેચિંગ, પોલિંગ, પ્રિસાઈડિંગ, એસએસટી, રિટર્નિંગ ઓફિસર, કાઉન્ટિંગ, ફલાઈંગ સ્કવોડ અને સર્વેલન્સના કામની તાલીમમાં રોકાયેલા છે. મુખ્ય કામગીરીમાં નવા જીએસટી નંબર અને કરદાતાઓને લેવાની થતી આઇટીસી મળતી નથી. એક તરફ નવા કરદાતાઓ જીએસટી નંબર ન મળતા તેઓ ધંધા રોજગાર શરૂ કરી શકતા નથી. તો બીજી તરફ જે લોકોની આઇટીસી બ્લોક થઇ ગઇ છે તેઓ ધંધા-રોજગાર કરવા મુશ્કેલ બની ગયા છે. વેપારીઓની મુડી બ્લોક થઇ જતા કામગીરી પર મોટી અસર પડી છે. આ ઉપરાંત કરદાતાઓને મળેલી નોટીસનો જવાબ આપવા જાય તો કોઇ મળતું નથી. જેના કારણે કરદાતાઓને આગામી દિવસોમાં નોટિસની મુદત પૂરી થતી હોવાથી તેનો સામનો કરવો પડી શકે છે. આમ કરદાતાઓના કામ ન થતા તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ અંગે વેપારીઓએ જીએસટી કમિશનરને પણ રજુઆતો કરી છે.