ગાંધીનગરઃ ગુજરાતમાં તમામ આરટીઓ કચેરીઓમાં મોટાભાગની કામગીરી ઓનલાઈન કરવામાં આવી છે. પણ સર્વરમાં વારંવાર ક્ષતિ સર્જાતા અરજદારો પરેશાન થઈ રહ્યા છે. દરમિયાન પાટનગર ગાંધીનગરની આરટીઓ કચેરીમાં ફરી એકવાર સર્વર અને ટેકનિકલ ખામીને કારણે ટ્રેક બંધ રહેવાથી ડ્રાઇવિંગ ટેસ્ટ લઈ શકાયાં ન હતાં. બપોર સુધી ટેસ્ટ આપવા આપનારાઓની લાંબી લાઈન લાગી હતી, પરંતુ સાંજ સુધી ટ્રેક શરૂ ન થતાં અરજદારોને ટેસ્ટ આપ્યાં વિના જ પરત ફરવાનો વારો આવ્યો હતો.
ગાંધીનગર જિલ્લા વાહન વ્યવહાર કચેરી ગાંધીનગર ખાતે ટેસ્ટ ટ્રેક બંધ થવાની સમસ્યા કોઈ નવી વાત નથી. ગત માર્ચ અને એપ્રિલ માસ દરમિયાન પણ અંદાજિત 2 સપ્તાહ સુધી ટ્રેક બંધ થતાં વેઈટીંગનો આંકડો 2500ને પાર થયેલો જોવાં મળ્યો હતો. ત્યારે ગઈકાલે ગુરુવારે ફરી એકવાર સર્વર અને ટેકનિકલ ખામીને કારણે ટ્રેક બંધ રહેવાથી ડ્રાઇવિંગ ટેસ્ટ લઈ શકાયાં ન હતાં. બપોર સુધી ટેસ્ટ આપવા આપનારાઓની લાંબી લાઈન લાગી હતી, પરંતુ સાંજ સુધી ટ્રેક શરૂ ન થતાં અરજદારોને ટેસ્ટ આપ્યાં વિના જ પરત ફરવાનો વારો આવ્યો હતો. વીડિયો એનાલિટિક ડ્રાઇવિંગ ટ્રેક શરૂ કરવા આરટીઓ તંત્રે તૈયારી શરૂ કરી છે તે પહેલાં જ હયાત ટ્રેકની સમસ્યા સર્જાતાં અરજદારો દ્વારા માંગ કરવામાં આવી હતી કે સૌપ્રથમ હાલની ટ્રેક સિસ્ટમમાં જોવાં મળતી તમામ પ્રકારની ટેકનિકલ સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવું જોઈએ, જેથી ટેસ્ટ આપવા માટે ધક્કા ન ખાવા પડે. ટેસ્ટ ટ્રેકનું સર્વર બંધ રહેવાને કારણે વેઈટીંગમાં પણ વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં પણ ટ્રેકની આજ સ્થિતિ રહી તો વેઈટીંગનો આંકડો હજારોમાં જોવાં મળે તો નવાઈ નહીં. તંત્રને એપોઈમેન્ટ પણ રિશિડ્યુલ કરવાની ફરજ પડશે.