Site icon Revoi.in

ગુજરાતમાં રેશનકાર્ડમાં કેવાયસી ફરજિયાતને લીધે ગરીબ પરિવારોને મુશ્કેલી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં રાશનકાર્ડધારકોને કેવાયસી ફરજિયાત કરવામાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના કાર્ડ પર અનાજ મેળવતા પરિવારો કેવાયસી કરાવવા માટે આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો લઈને મામલતદાર કચેરીએ લાઈનો લગાવી રહ્યા છે. ગરીબ પરિવારો કામ-ધંધો છોડીને કેવાયસી માટે આખો દિવસ બગાડતા હોય આવા પરિવારો માટે રાતના સમયે એટલે કે રાતના 9 વાગ્યા સુધી કેવાયસી માટે સેવા ઉપલબ્ધ કરવાની માગ ઊઠી છે.

સમગ્ર ગુજરાતમાં રાશન કાર્ડમાં KYC માટે લાઈનો લાગેલી છે. KYC માટે લોકો હેરાન થઈ રહ્યા છે. કલાકોની લાઈનોમાં ઉભા રહીને પણ કામ થતું નથી. ખાસ નોકરિયાત વર્ગના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.  વહીવટી તંત્ર સર્વર ડાઉન હોવાનું કહી રહ્યા છે.જેના કારણે લોકોને આખો દિવસ લાઈનમાં ઉભા રહ્યા બાદ જ્યારે નંબર આવે ત્યારે પણ કામ થતુ નથી. જો કે ગરીબ પરિવારની મુશ્કેલી જોઈને બોરસદના મામલતદારે સરાહનીય કામ કર્યું છે. બોરસદમાં દિવસ દરમિયાન KYCની કામગીરી ચાલી રહી છે. જેમાં લોકોની ભારે ભીડ રહેતી હતી.  દિવસ દરમિયાન નોકરી ધંધે અને ખેત મંજૂરી માટે જતા લોકો હેરાન થતાં હતા ગામડાંના લોકોને મોબાઈલમાં E-KYC કરવાનું ફાવતું નથી. ત્યારે મામલતદાર કચેરી દ્વારા રાત્રી દરમિયાન પણ કેવાયસી કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પુરવઠા વિભાગે બોરસદ શહેરના 11 પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારો પર KYCની કામગીરી ચાલી રહી છે. ગ્રાહક ભંડારો દ્વારા રાતના સમયે અલગ અલગ વિસ્તારની સોસાયટીઓમાં જઈને રાત્રી કેમ્પ કરવામાં આવે છે. અને લોકોને સ્થળ પર જ KYCની કામગીરી કરી આપવામાં આવે છે. જેના કારણે દિવસ દરમિયાન નોકરી ધંધો કરતાં લોકોને મોટી રાહત થઈ છે.