Site icon Revoi.in

અમદાવાદના ડોમેસ્ટીક એરપોર્ટના ટર્મિનલ પર DG યાત્રા સર્વર બંધ રહેતા પ્રવાસીઓને મુશ્કેલી

Social Share

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોજબરોજ પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. પ્રવાસીઓને લગેજથી લઈને ઈમિગ્રેશન સહિતના ચેકિંગ માટે લાઈનોમાં ઊબા રહેવું ન પડે તે માટે ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ ડોમેસ્ટીક એરપોર્ટના ટર્મિલન પર DG યાત્રા સર્વર બંધ રહેતું હોવાથી પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર છેલ્લા કેટલાક મહિનાથી ‘ડીજી યાત્રા સુવિધા’નો પ્રવાસીઓ સારોએવો ઉપયોગ કરી રહ્યા છે. ગત મહિનામાં કુલ પ્રવાસીઓમાંથી સરેરાશ 14 ટકા પ્રવાસીઓએ ડીજી યાત્રાનો ઉપયોગ કર્યો હતો. એટલે કે રોજના હજારો મુસાફરો ડીજી યાત્રાનો ઉપયોગ કરીને ઝડપથી એરપોર્ટમાં ચેક ઈન કરે છે, પરંતુ છેલ્લા એક સપ્તાહ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરના ડીજી યાત્રામાં ક્ષતિ સર્જાતા કેટલાક મુસાફરોને સામાન્ય ચેક ઇન કાઉન્ટર પરથી ચેક ઇન કરાવ્યા બાદ પ્રવેશ મળ્યો હતો. કેટલાક પ્રવાસીઓએ  ટ્વિટર ઉપર આ બાબતે ફરિયાદ પણ કરી હતી.

એરપોર્ટ પર પ્રવાસીઓના કહેવા મુજબ ડીજી યાત્રાની સુવિધા બંધ હોવાથી લાંબી લાઇનોમાં ઊભા રહ્યા બાદ ફ્લાઈટ પણ મોડી પડતા વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અન્ય એક પ્રવાસીએ કહ્યું હતું કે, ડોમેસ્ટીક એરપોર્ટથી ડીજી યાત્રાનો ઉપયોગ કરીને પ્રવેશ મેળવો નિષ્ફળ રહે છે. લગભગ 50 ટકા મુસાફરો ડીજી યાત્રાની લાઈનમાંથી પાછા ફરી રહ્યા છે. દરમિયાન એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે,

છેલ્લા કેટલાક દિવસમાં DG યાત્રામાં વારંવાર ખામી સર્જાતા વર્ઝનને અપગ્રેડ કરવા માટે બુધવારના રોજ લાંબા સમય માટે ડીજી યાત્રા સુવિધા બંધ રહી હતી. કારણ કે આ સમયગાળા દરમિયાન મેન્ટેનન્સ પ્રક્રિયા રહી હોવાથી મુસાફરો માટે ડીજી યાત્રાની સુવિધા બંધ હતી. આગામી દિવસોમાં DG યાત્રા વધુ કાર્યક્ષમતાથી કાર્ય કરાશે.

આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ પર સૌથી વધુ ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટની અવરજવર રહે છે. આ એરલાઇન્સ મુસાફરો માટે ડીજી યાત્રાની સુવિધાનો ઉપયોગ સરળ બની રહે તે માટે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા મુસાફરી કરતા મુસાફરોને અલગથી DG યાત્રા લેનની સુવિધા શરૂ કરવામાં આવી છે.