Site icon Revoi.in

ડિજિટલ એરેસ્ટ કૌભાંડનો પર્દાફાશ, 7 ગુજરાતી સહિત 17 શખસોની ધરપકડ

Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. જેમાં ડિજિટલ એરેસ્ટને નામે કેન્દ્રિય એજન્સીઓની ઓળખ આપીને લોકોને ઠગવામાં આવતા હતા. દરમિયાન અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે ડિજિટલ અરેસ્ટના નામે થતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવનારા માસ્ટર માઇન્ડને પોલીસે પકડી પાડ્યો છે. આ રેકેટમાં પોલીસ દ્વારા ચાર તાઇવાનના નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. જોકે, આ પહેલાં પોલીસે આ મામલે 13 ભારતીય આરોપીને ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન ખુલાસો થયો કે, તાઈવાનના 4 શખસોએ ચાર વર્ષ સુધી ભારતમાં રિસર્ચ કરી આખુંય ષડયંત્ર હાથ ધર્યું હતું. જેમાં છેલ્લાં એક વર્ષથી વિવિધ સોશિયલ મીડિયા તેમજ ગેમિંગ ઝોનના નામે લોકો પાસેથી રોજના બે કરોડ રૂપિયા પડાવતાં હતાં. આ મામલે અત્યાર સુધી 450 ફરિયાદો નોંધવામાં આવી હતી.

અમદાવાદ સાયબર ક્રાઇમે ડિજિટલ અરેસ્ટના નામે ચાલતી ઠગાઈના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમે આ ઠગાઇના મુખ્ય સૂત્રધાર એવા ચાર તાઇવાનના નાગરિક, 7 ગુજરાતી સહિત 17 આરોપીઓની ધરપકડ કરી છે. ભારતમાં ડિજિટલ અરેસ્ટનું સૌથી મોટું ષડ્યંત્ર રચવા માટે 4 તાઇવાનીએ એપ ડેવલોપ કરી હતી. આ એપ એવી રીતે ડેવલોપ કરી હતી કે, આરોપી સામેવાળાના એકાઉન્ટ નંબર અને OTP દાખલ કરે કે તુરંત જ સામેવાળાના એકાઉન્ટમાંથી ઓટોમેટિક પૈસા ટ્રાન્સફર થઈ જતા હતા. આરોપીઓએ આ ષડ્યંત્ર રચવા માટે ભારતમાં 4 વર્ષ રિસર્ચ કર્યું હતું. જે બાદ ડિજિટલ અરેસ્ટ, શેર માર્કેટમાં રોકાણ, ગેમિંગ ઝોનના નામે આરોપીઓએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે.

અમદાવાદ સાયબર ક્રાઈમે માસ્ટરમાઈન્ડ આરોપીની તમામ ગતિવિધિઓ પર વોચ રાખી હતી. જ્યારે આરોપીએ દિલ્હીની તાજ હોટેલમાં પહોંચી લેપટોપ શરૂ કરવા પાસવર્ડ નાંખ્યો ત્યાં જ સાયબરની ટીમે લેપટોપ કબજે કરીને આરોપીને દબોચી લીધો. જોકે, આરોપી ધરપકડ બાદ તપાસમાં સહકાર ન આપે તેથી ચોકકસ પુરાવા મેળવવા માટે સાયબર ક્રાઈમે આરોપી લેપટોપ શરૂ કરે ત્યાં સુધી તેની ધરપકડ કરવા માટે રાહ જોઈ હતી. તાઈવાનના આરોપીઓ અગાઉ પણ અહીં આવ્યા હતા અને તેમાના એક આરોપીએ તો હિમાચલથી ગ્રેજ્યુએશન પણ કર્યું છે.  માસ્ટરમાઈન્ડ આરોપી માર્ક માસ્ટર ઈન કોમ્પ્યુરની લાયકાત ધરાવે છે. આરોપીઓ પોતાની એપ સાયબર ક્રિમિનલ્સ, ગેરકાયદેસર ગેમિંગ એપ ચલાવતા હોય તેવા લોકોને વેચતા હતા. તેમજ આરોપીઓ અલગ-અલગ શહેરોમાં જઈને એક મોટુ કોલ સેન્ટર ચલાવતા હતા. તાઈવાનના જે આરોપીઓ છે તેઓએ એક એપ ડેવલોપ કરી છે. આ એપ મારફતે બધા અલગ-અલગ એકાઉન્ટથી પૈસા પેમેન્ટ ગેટવેથી કનેક્ટ કરતા અને ટેક્નિકલ સર્વિસીઝ પણ પૂરી પાડતા હતા. આ એપમાં એવી સુવિધા છે કે, એક સાઈડમાં એકાઉન્ટ નંબર નાખી અને બીજી સાઈડમાં OTP નાખી સામેવાળાના એકાઉન્ટમાંથી ઓટોમેટિક પૈસા ટ્રાન્સફર થઈ શકે છે.

સાયબર ક્રાઈમ પોલીસે દેશના જ  એક આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેટ કંપનીની જેમ રોજના 1.5થી 2 કરોડ ને ટર્નઓવર 10 કરોડ સુધી પહોંચાડવાના ટાર્ગેટ આપતા હતા. બે આરોપીઓ દિલ્હીથી મિટિંગ કરે તે અગાઉ ધરપકડ કરાઇ છે જ્યારે બે આરોપીઓ બેંગ્લોરથી પરત જવા રવાના થવાના થયા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓના નામ મુચી સંગ ઉર્ફે માર્ક, ચાંગ હાવ યુન ઉર્ફે માર્કો, વાંગ ચુન વેઇ ઉર્ફે સુમોકા અને શેન વેઇ હાવ ઉર્ફે ક્રીશ છે.