દિલ્હી : દેશમાં અત્યારે ટેક્નોલોજીનો જોરદાર ઉપયોગ થઈ રહ્યો છે એવામાં સરકાર પણ હવે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવાની તૈયારીમાં છે, જાણકારી અનુસાર હવે આપણા દેશમાં ડિજિટલ વસતી ગણતરી કરવામાં આવશે.વસતીગણતરી 2021થી બે વર્ષ મોકૂફ રહ્યા બાદ હવે આગામી વર્ષે ડિજિટલ ગણતરીના રૂપમાં કરવામાં આવશે. આ દેશની પહેલી ડિજિટલ વસતીગણતરી હશે. તેમાં સ્વ-ગણતરી એટલે સેલ્ફ એન્યુમરેશનની તક મળશે. લોકો સવાલોના જવાબ સેલ્ફ એન્યુમરેશન પોર્ટલ પર ભરી શકશે. વસતીગણતરી રજિસ્ટ્રાર જનરલ અનુસાર સ્વ-ગણના માટે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR)માં પોતાને ઑનલાઇન અપડેટ કરવું જરૂરી હશે.
મોબાઇલ અને આધાર નંબર પણ અનિવાર્ય હશે. જે એનપીઆરમાં ઑનલાઇન અપડેટ નહીં કરી શકે તે જાણકારી સરકારી કર્મીઓને આપી શકશે. એનપીઆરને જન્મ-મરણ નોંધણીથી જોડવામાં આવશે. તેના માટે સુધારેલી જન્મ-મૃત્યુ નોંધણી અધિનિયમ બિલ લવાશે. એનપીઆરમાં મતદારની નોંધણી, આધાર નંબર, પાસપોર્ટ, રાશનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સને પણ જોડાશે.
એનપીઆરના આધાર પર જ નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝનશિપ એટલે કે એનઆરસી તૈયાર કરાશે. એનઆરસીમાં વસતીગણતરીના આંકડા પણ કેન્દ્રીય સ્તર પર એકત્ર કરાય છે, પરંતુ તેના વ્યક્તિગત ડેટાને રાજ્યો અથવા સરકારના તમામ વિભાગ સાથે શેર ન કરી શકાય. દેશમાં પહેલું NPR 2011ની વસતીગણતરી પૂર્વે 2010માં તૈયાર કરાયું હતું. તેને 2015માં અપડેટ કરાયું હતું. 2021ની વસતીગણતરી દરમિયાન તેને અપડેટ કરવાનું હતું પરંતુ કોરોના મહામારીને કારણે તે કામ સ્થગિત રહ્યું હતું.