દિલ્હીઃ ભારતમાં સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો વપરાશ વધતા હવે મોટાભાગના કામ લોકો ઓનલાઈન કરવાનું પસંદ કરે છે. બેંકીગ હોય કે કોઈ પણ વસ્તુની ખરીદી મોટાભાગના લોકો ઓનલાઈન કરે છે. બીજી તરફ હેકર્સ પણ એક્ટિવ થયાં છે. તેમજ લોકોના ખાનગી ડેટા હેક કરી રહ્યાં છે. દરમિયાન ભારતમાં સાયબર હુમલાનું જોખત સતત વધી રહ્યું હોવાનો ઘટસ્ફોટ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં થયો છે. એટલું જ નહીં સાયબર સુરક્ષા પાછળ યોગ્ય ખર્ચ કરવા માટે બેંકોને ભલામણ કરી છે. ડીજીટલ આર્થિક વ્યવહારોમાં વધારા બાદ સાયબર છેતરપીંડીના બનાવોમાં 41 ટકાનો ધરખમ વધારો થયો છે.
આરબીઆઈના રિપોર્ટ અનુસાર, સાયબર હુમલાનો ખતરો ગત ઓકટોબરનાં હાઈ રીસ્ક ઝોનના સ્તરે જ છે. દર વર્ષે બે વખત સિસ્ટેમીક રિસ્ક સર્વે કરાવે છે. તેમાં એવુ તારણ નિકળ્યુ હતું કે સાયબર એટેકનું જોખમ ગત વર્ષનાં હાઈ રીસ્કનાં સ્તરે જ છે. ખતરો યથાવત હોવાથી તે રોકવા માટે બેંકો-નાણા સંસ્થાઓની સલાહ સુચના પણ અપનાવવામાં આવી છે. સુરક્ષીત સાયબર ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાની દિશામાં પગલા લેવા સૂચન કર્યું છે. છેતરપીંડીથી લોકોને બચાવવા માટે જાગૃતિ ફેલાવવા તાકીદ કર છે. ભારતમાં દરરોજ સાયબર છેતરપીંડીના દરરોજ 3137 કેસ નોંધાય છે અને વર્ષે 25000 કરોડની ઠગાઈ થતી હોવાનું રીપોર્ટમાં ખુલ્યુ છે. 2019 માં લોકોએ સાયબર છેતરપીંડીમાં 1.25 લાખ કરોડ ગુમાવ્યા હતા.
આરબીઆઈનાં પૂર્વે ગવર્નર રઘુરામ રાજને પણ પોતાના કાર્યકાળ દરમ્યાન કહ્યું હતું કે સાયબર ઠગ રીઝર્વ બેન્કના ગવર્નરને પણ ‘આમ આદમી’ સમજીને લોભામણી ઓફર આપવાનું ચુકતા નથી.