ગુજરાતના પરંપરાગત ઉદ્યોગોને ડિજિટલ ઇન્ડિયા આગળ ધપાવી શકે છે: રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર
અમદાવાદઃ ગુજરાત દ્વારા હાથ ધરવામાં આવેલી ડિજિટલ ઇન્ડિયા પહેલ હીરા, કાપડ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા તેના પરંપરાગત ઉદ્યોગોને સમર્થન આપવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવી શકે છે. તેમ ઇલેક્ટ્રોનિક્સ અને IT તેમજ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે જણાવ્યું હતું.
સુરત ખાતે આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકોને સંબોધન કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાતના ભવિષ્યને તેના પરંપરાગત ક્ષેત્રોની સાથે સાથે ડિજિટલ ટેકનોલોજી દ્વારા દોરી શકાય છે. જો ‘S’ નો અર્થ સુરત છે, તો તેનો અર્થ સ્ટાર્ટઅપ્સ પણ થાય છે, ડાયમંડનો ‘D’, ડિજિટલનું પ્રતીક પણ બની શકે છે અને ટેક્સટાઇલનો ‘T’, ટેકનોલોજી માટે પણ હોઇ શકે છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “જો ભારત સમગ્ર દુનિયા માટે સેમિકન્ડક્ટર રાષ્ટ્ર બનવા જઇ રહ્યું છે, તો ગુજરાત સમગ્ર ભારતમાં પોતાની સેમિકન્ડક્ટર નીતિ ઘડનારું દેશનું પ્રથમ સેમિકન્ટક્ટર રાજ્ય હશે.” પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે કોવિડના કારણે મોટો આંચકો લાગ્યો હોવા છતાં ઘણા સીમાચિહ્નો પ્રાપ્ત કર્યા છે.
ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, માત્ર સ્ટાર્ટઅપ્સ અને યુનિકોર્ન્સની સંખ્યામાં જ વધારો થયો છે એવું નથી, પરંતુ તેમણે નવા અવસરો પણ ઉભા કર્યા છે. “આજે આપણી પાસે ડ્રોન ક્ષેત્રમાં 680 ઇનોવેટર્સ છે અને 120 સ્પેસ ટેકનોલોજી છે જેઓ લોન્ચ વ્હીકલ્સ, મિશન કંટ્રોલ વ્હીકલ્સ વગેરેમાં છે – આવું તો પહેલાં ક્યારેય સાંભળ્યું પણ નહોતું.”
તેમણે વધુમાં કહ્યું કે, “અગાઉના સમયમાં, ભારતમાં લોકશાહી નિષ્ક્રિય હતી, જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને છીંડા હતા, જ્યારે આજે ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમે લાભાર્થીઓને સબસિડી અને જાહેર સેવાઓના વિતરણમાં કાર્યક્ષમતા લાવવાનું સુનિશ્ચિત કર્યું છે. લાભાર્થી માટે ફાળવવામાં આવતો એક એક પૈસો ડાયરેક્ટ એકાઉન્ટ ટ્રાન્સફર દ્વારા સીધો તેમના સુધી પહોંચે છે.”