નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુજીએ નવી દિલ્હીમાં વિજેતાઓને ડિજિટલ ઈન્ડિયા પુરસ્કાર-2022, પ્રદાન કર્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ડિઝિટલ ઈન્ડિયા ભારતના મહત્વને વૈશ્વિક સ્તરે રેખાંકીત કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ટેકનોલોજીના માધ્યમથી આપણે સામાન્ય વ્યક્તિના જીવનને સરળ બનાવવાનું છે.
દ્રોપદી મૂર્મુજીએ કહ્યું હતું કે ડિઝિટાઈઝેશનને કારણે સેવાઓમાં પારદર્શિતા આવી રહી છે. સરકારમાં ડિજિટલરૂપે સશક્ત સમાજ અને જ્ઞાન અર્થવ્યવસ્થામાં પરિવર્તન કરવા માટે ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમની કલ્પના કરવામાં આવી છે. પુરસ્કાર સમારોહમાં ઇલેકટ્રોનિક અને માહિતી ઉદ્યોગ, કોમ્યુનિકેશન અને રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત સમાજના નબળા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોના સમાવેશને સુનિશ્ચિત કરવા માટે યોગ્ય ઉદાહરણ સ્થાપિત કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું, સામાજિક ન્યાય એ ડિજિટલ ઈનોવેશનનો મુખ્ય ઉદ્દેશ્ય હોવો જોઈએ.
ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ્સનો ઉદ્દેશ્ય માત્ર સરકારી સંસ્થાઓને જ નહીં પરંતુ સ્ટાર્ટ-અપ્સ અને પાયાના સ્તરની ડિજિટલ પહેલોને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવાનો છે. નેશનલ પોર્ટલ ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ડિજિટલ ઇન્ડિયા એવોર્ડની સ્થાપના કરવામાં આવી છે.