Site icon Revoi.in

સરકારી કર્મચારીઓની સેવાઓનું ડિજિટાઈઝેશન, CMએ HRMS 2.0 પોર્ટલનું કર્યું ઉદઘાટન

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં આજે સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના પાંચ લાખથી વધુ અધિકારી-કર્મચારીઓને લાભ થાય તે હેતુસર ‘કર્મયોગી HRMS 2.૦: સેવા, ક્ષમતા અને વિકાસ’ પોર્ટલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જી.એ.ડી. દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પોર્ટલમાં રાજ્યના અધિકારી-કર્મચારીઓની સેવાપોથી, રજાઓ, રજા પ્રવાસ ભથ્થા, APAR, તથા પગાર સહિતની વિવિધ સેવાઓનું ડિજીટાઇઝેશન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીના હસ્તે આરોગ્ય, શિક્ષણ, અન્ન અને નાગરિક પુરવઠા તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ મળી ચાર વિભાગોની પાંચ અલગ અલગ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી, જેના થકી વિવિધ સેવાઓનું ડિજીટાઇઝેશન થશે. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી FDCA-mDMLA મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. જેના થકી રાજ્યના તમામ એલોપેથિક દવાઓ, આયુર્વેદિક દવાઓ અને સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદકો તથા દવાઓના વિક્રેતાઓ મળી EODB અંતર્ગત રાજ્યના 6 હજાર જેટલા ઉત્પાદકો તથા 52 હજારથી વધુ દવાઓના વિક્રેતાઓને મોબાઈલ દ્વારા કોઇપણ સ્થળે કોઇપણ સમયે તેઓને સંબધિત કામગીરી, સેવાઓ અને જાણકારી મેળવી શકશે. તે ઉપરાંત તંત્ર દ્વારા આપવામાં આવતા તમામ પ્રકારના ડીજીટલ સાઇન વાળા લાયસન્સ, સર્ટીફિકેટ તથા જરૂરી મંજૂરીઓ મોબાઈલ થકી મેળવી શકશે તથા અરજદાર મોબાઈલ ઉપર તેઓ દ્વારા કરવામાં આવેલ અરજીનું સ્ટેટસ પણ જાણી શકશે.

આ ઉપરાંત શિક્ષણ વિભાગ અંતર્ગત અનુદાનિત કોલેજોમાં કર્મચારીઓ માટે પગારબિલ સુવિધા ઉપલબ્ધ બનાવવા ‘ગ્રાન્ટ ઈન એડ પે રોલ પોર્ટલ’ તથા શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ‘સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટીટ્યુટ એફિલેશન એપ્લિકેશન પોર્ટલ’, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળ આરોગ્ય સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવેલું ‘આંગણવાડી વિઝિટ ટ્રેકર’ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ સંબંધિત સેવાઓ માટે નાગરિકો પોતાનું ફેસ ઓથેન્ટીકેશન ઘરે બેઠા કરી શકે તે રીતે તૈયાર કરાયેલી ‘ફેસ ઓથેન્ટીકેશન’ મોબાઈલ એપ્લિકેશન મળી પાંચ એપ્લિકેશન મુખ્યમંત્રીના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી.