પુલવામા હુમલા અંગે દિગ્વિજયસિંહના નિવેદનથી રાજકારણ ગરમાયું, BJPના કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર
નવી દિલ્હીઃ પુલવામા હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો શ્રદ્ધાંજલી પાઠવી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજયસિંહે ગુપ્તચર એજન્સીને કારણે ભૂલ થયાનું નિવેદન આપ્યું હતું. દિગ્વિજયસિંહના નિવેદનના પગલે મધ્યપ્રદેશમાં રાજકારણ ગરમાયું છે, બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજસિંહ તથા અન્ય ભાજપના નેતાઓએ દિગ્ગીરાજા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.
પુલવામા હુમલાને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના ટ્વિટ બાદ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. દિગ્વિજય સિંહે પોતાના ટ્વિટમાં કહ્યું, ‘આજના દિવસે ગુપ્તચર એજન્સીની ભૂલના પરિણામને પગલે પુલવામા હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને શ્રદ્ધાંજલી અર્પિત કરીએ છીએ. મને આશા છે કે તમામ શહીદોના પરિવારોનું યોગ્ય રીતે પુનર્વસન થયું હશે.
નિવેદનના કારણે દિગ્વિજય સિંહ ફરી એકવાર ભાજપના નિશાના પર છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત ભાજપના ઘણા નેતાઓએ તેમની નિંદા કરી છે. સીએમ શિવરાજે કહ્યું કે દિગ્વિજય સિંહ પાકિસ્તાનની ભાષા બોલે છે. તેમના મનમાં આવા વિધાનોનું બીજ કોણ વાવે છે. દિગ્વિજય સિંહની બુદ્ધિ ખરાબ થઈ ગઈ છે અને તે માત્ર સેનાનું અપમાન કરે છે. દિગ્વિજય સિંહ માત્ર પાકિસ્તાનની ભાષા બોલે છે. હવે તેમની તપાસ થવી જોઈએ.
બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી ડો.નરોત્તમ મિશ્રાએ પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું કે દિગ્વિજય સિંહનું ટ્વીટ આઈએસઆઈનું ટ્વીટ લાગે છે. શહીદોની શહાદત પર ટોણો મારવો અને તેમનું મનોબળ તોડે તેવા નિવેદનો આપવા એ કોંગ્રેસની આદત બની ગઈ છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પણ કોંગ્રેસ નેતા પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જે દિવસે ભારત પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છું તે દિવસે દિગ્વિજય સિંહ અને કોંગ્રેસે પાકિસ્તાનને ક્લીનચીટ આપી છે. દિગ્વિજય સિંહ તાજેતરમાં સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલો ઉઠાવી રહ્યા હતા. આ કોઈ અંગત નિવેદન નથી, પરંતુ પાકિસ્તાનને કવર કરવા માટે કોંગ્રેસનો સંસ્થાકીય અભિગમ છે.