Site icon Revoi.in

ભાવનગરના ભાલપંથકના પૂરથી પ્રભાવિત 12 ગામની કફોડી સ્થિતિ, જિલ્લા કલેક્ટરને રજૂઆત

Social Share

ભાવનગરઃ જિલ્લામાં આ વખતે સારો એવો વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ભાલ પંથકના ગામડાંની હાલત બદતર બની છે. જેમાં મીઠાના અગરના મોટા પાળાઓને લીધે વરસાદી પાણીનો નિકાલ ન થતાં ખેતરો જ્યાં નજર નાંખો ત્યાં સુધી પાણીથી ભરાયેલા નજરે પડી રહ્યા છે. ભાલ પંથકના ગામડાંના રસ્તાઓ પણ પાણીમાં ડુબેલા છે. આથી ભાલપંથકમાં આવેલા 12 ગામડાઓના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને ફરી એકવાર લેખિત-મૌખિક રજૂઆતો કરી ખેતીની જમીન અને વરસાદી પાણીથી ડૂબતા ગામડાઓને ઉગારી લેવા માંગ કરી છે.

ભાવનગર જિલ્લાનો ભાલપંથક ખૂબ મોટો વિસ્તાર ધરાવે છે આજથી સેંકડો વર્ષો પહેલાં આ સ્થળે ખંભાતનો અખાત ઘૂઘવાટા કરતો હતો પરંતુ કાળક્રમે દરિયો દૂર જતાં અને મોટી નદીઓમાં ઢસડાઈને આવતા સતત કાંપને કારણે નદી-સાગરના મુખ પ્રદેશ આસપાસના સેંકડો વિસ્તારની જમીન ઉપજાઉ બની જયાં ધીમે ધીમે ખેતી સાથે ગામડાઓ વસ્યા આજે પણ ચોમાસા દરમિયાન ભાલપંથકના 12થી વધુ ગામોમા વરસાદ આધારિત ખેતી એટલે કે ખરીફ સિઝનની ખેતી થાય છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી સરકાર દ્વારા ખેતીના બદલે ઉદ્યોગો અને મિઠા ઉદ્યોગને વધુ પડતું પ્રોત્સાહન આપતા આદી કાળથી થતી ખેતી પર પૂર્ણવિરામ મુકાઈ જવા સાથે હજારો વિઘા જમીનો પુનઃ ખારાપાટમાં તબદીલ થઈ જવાની સંભાવના બળવત્તર બની રહી છે.

ભાલ પંથકમાં આડેધડ મંજૂર કરેલા મીઠાના અગર અને આયોજન તેમજ ડિઝાઇન વગર બનાવેલા રોડ અને નાળાને કારણે નદીઓના વહેણ બદલાઈ ગયા છે. જેને કારણે અનેક ગામો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. તેમજ વાહન વ્યવહાર પણ બંધ થતાં અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે.  દર વર્ષે ચોમાસા દરમિયાન બોટાદ તથા ભાવનગર અને અમદાવાદ જિલ્લાની કુલ સાત નદીઓમાં ઘોડાપૂર આવે છે અને આ નદીઓ કુદરતી વહેણ વાટે ખંભાતના અખાતને મળે છે, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ નદીઓના કુદરતી વહેણ પર મીઠું પકવવા માટે સરકારે ખાનગી કંપનીઓને જમીનો લીઝ પર આપી છે અને આ કંપનીઓએ નદીઓના વહેણમાં અવરોધો ઉભા કરી મસમોટા પાળાઓ બાંધી દેતાં નદીઓના પૂરનો પ્રવાહ સાગરને બદલે ગામો ભણી રૂખ કરતાં બાર ગામની ખેતી નષ્ટ થઈ જાય છે, ઘણીવાર કાળુભાર સહિતના ડેમમાંથી પાણી છોડાતા આ ગામડા બેટમાં ફેરવાઈ જાય છે અને જાનમાલ સુરક્ષા જોખમાય છે ત્યારે 12 ગામનું પ્રતિનિધિ મંડળ કોંગ્રેસના મહિલા અગ્રણી નિતાબેન રાઠોડની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા આવ્યાં હતાં, અને સ્થળ પર મુલાકાત લઈ તત્કાળ મીઠા માટે બનાવાયેલ પાળાઓ દૂર કરવા માંગ કરી હતી.