Site icon Revoi.in

રાજકોટમાં એસટી ડિવિઝન કચેરીની જર્જરિત હાલત, અવાર-નવાર સ્લેબમાંથી ગાબડાં પડે છે

Social Share

રાજકોટઃ શહેરના ગોંડલ રોડ પર એસટી ડિવિઝન કચેરીનું બિલ્ડિંગ જર્જરીત હાલતમાં છે. સ્લેબમાંથી વારંવાર ગાબડાં પડી રહ્યા છે. જેથી એસટીના અધિકારીઓ સહિત 100 જેટલા કર્મચારીઓનો જીવ જોખમે કામ કરી રહ્યા છે. જો કે  ડિવિઝન કચેરીનું નવું બિલ્ડિંગનું કામ મોટાભાગનું પૂર્ણ થઈ ગયું છે. એકથી બે માહિનામાં બાકી કામ પણ પૂરું થઈ જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરના ગોંડલ રોડ પર હાલ જ્યાં જૂની એસટીની વિભાગીય કચેરી જર્જરીત હાલતમાં છે.  તે બિલ્ડિંગને તોડી પાડી તે  જગ્યા પર નવું સેટેલાઈટ બસ સ્ટેશન બનાવાશે. દરમિયાન હાલ જૂની એસટીની વિભાગીય કચેરી જ્યાં કાર્યરત છે તેની બાજુમાં જ નવું બિલ્ડિંગ રૂ.7 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યું છે. નવા બિલ્ડિગનું કામ પૂર્ણ થતાં હજુ બે મહિના લાગશે, ત્યાં સુધી એસટી ડિવિઝનના કર્મચારીઓ અને અધિકારીઓએ જુના બિલ્ડિંગમાં જ બેસવું પડશે. પણ બિલ્ડિંગના સ્લેબમાંથી પોપડાં પડી રહ્યા હોવાથી કર્મચારીઓ ભય અનુભવી રહ્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ એસટીના વિભાગીય નિયામક દ્વારા ગોંડલ રોડ પર વર્કશોપ સ્થિત છે. ત્યા નવું સેટેલાઈટ બસ સ્ટેશન બનાવવા માટેની રાજ્યના વાહન વ્યવહાર નિગમ સમક્ષ દરખાસ્ત અગાઉ કરવામાં આવી હતી. નવા વર્ષના બજેટમાં રાજકોટના નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટે ખર્ચની ફાળવણી અને બસ સ્ટેશનના નિર્માણની નિયત સમય મર્યાદા નક્કી થવાની છે.

રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે.બી. કલોતરાના કહેવા મુજબ રાજકોટમાં હાલ ભાવનગર રોડ પર સેટેલાઈટ બસ સ્ટેશન કાર્યરત છે. જ્યાંથી રોજની 80થી વધુ બસોની અવરજવર થઈ રહી છે. ત્યારે ગોંડલ રોડ પર આવેલા એસટી વર્કશોપની જગ્યા પર નવું સેટેલાઈટ બસ સ્ટેશન બનાવવા માટેની દરખાસ્ત અગાઉ કરવામાં આવેલી છે. જોકે હજુ તેની મંજૂરી મળી નથી. ગોંડલ ચોકડી પાસે રોજ એસટી બસની રાહમાં મુસાફરો રાહ જોતા હોય છે. ત્યારે ઠંડી, તડકો કે વરસાદમાં ગોંડલ ચોકડી પર બસની રાહમાં ઊભા રહેતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે ગોંડલ ચોકડી પાસેના વર્કશોપ પર સેટેલાઈટ બસ સ્ટેશનના નિર્માણ માટેની દરખાસ્ત વાહન વ્યવહાર નિગમ સમક્ષ કરવામાં આવી છે.