રાજકોટમાં હાઉસિંગ બાર્ડની વસાહતના જર્જિરિત મકાનોના વીજ કનેક્શનો કપાયા બાદ મચી લૂંટફાટ
રાજકોટઃ શહેરના દૂધસાગર રોડ પર આવેલી હાઉસિંગ બોર્ડની આકાશદીપ સોસાયટીના 696 આવાસો જર્જરિત હોવાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પાણી અને વીજળીના કનેક્શનો કાપીને સપ્તાહમાં ખાલી કરવા અલ્ટિમેટમ આપ્યું હતું. આજે મંગળવારે મ્યુનિ.એ આપેલું અલ્ટિમેટમ પુરૂ થાય તે પહેલા ઘણા રહેવાસીઓ ક્વાર્ટર ખાલી કરી દીધા છે પણ ત્યાં આવાસ ખાલી થતાં જ લૂંટફાટ ચાલુ થઈ છે. આવાસ ખાલી કરીને ક્વાર્ટરને તાળું મારીને લોકો નીકળી રહ્યા છે, ત્યારે જ સાંજના સમયે મહિલાઓ અને પુરુષોની એક ટોળકી ઘૂસી આવી હતી. રસ્તા પર ઝૂંપડપટ્ટીમાં તેમ જ ગમે ત્યાં પડ્યા પાથર્યા રહેતા આ અસામાજિક તત્ત્વોએ અલગ અલગ બ્લોકમાં ઘૂસીને આવાસોના તાળાં તોડ્યા હતા. દરવાજા અને બારી તોડીને કાઢી નાખી હતી તેમજ રૂમમાં વાયરિંગ પણ ખેંચી નાખી લૂંટ ચલાવી હતી. આ દરમિયાન ગેસનો લોખંડનો પાઈપ કાઢવા જતા ગેસ પણ લીકેજ થયો હતો. ધોળા દિવસે આ રીતે લૂંટફાટ થતા રહેવાસીઓમાં ભય ફેલાયો હતો રહિશોએ આ અંગેની જાણ પોલીસને કરાતા બંદોબસ્ત ગોઠવાયો છે.
શહેરના દૂધ સાગર રોડ પર આવેલી હાઉસિંગ બોર્ડની આકાશદીપ સોસાયટીના મકાનો ચારથી પાંચ દાયકા જુના છે. અને જર્જરિત હોવાથી ચોમાસામાં કોઈ દૂર્ઘટના સર્જાય નહીં તે માટે મ્યુનિ.દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. છતાંયે મકાનો ખાલી ન કરાતા મ્યુનિએ પીજીવીસીએલની મદદ લઈને વીજળી તથા પાણીના કનેક્શનો કાપી નાંખ્યા હતા. અને વસાહતનું ડિમોલેશન કરવાનું હોવાથી સપ્તાહમાં મકાનો ખાલી કરી દેવાની તાકીદ કરતા મોટાભાગના રહિશોએ મકાનો ખાલી કરી દીધા છે. હવે ખાલી પડેલા મકાનોના તાળા તોડીને કેટલાક અસામાજિક તત્વો કબજો લઈ રહ્યાની અને લૂટફાટ કરી રહ્યાની ફરિયાદો ઊઠી હતી. આથી મ્યુનિ.ને લૂંટફાટની ઘટના અંગે માહિતી મળતાં તુરંત જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે સૂચના આપી હતી અને આવાસો પાસે ફ્લડ લાઇટિંગ મુકાવવા રોશની શાખાને દોડાવી હતી, સ્થળ પર રાત્રે ચાર પોલ ઊભા કરાયા છે હજુ કામગીરી ચાલુ છે. બીજી તરફ હુડકો આવાસમાં પણ નોટિસ આપવાનું ચાલુ કરાયું છે.