ગુજરાતમાં સરકારની અણઘડ નીતિને કારણે ગ્રાન્ટેડ શાળાઓની કફોડી સ્થતિઃ શાળા સંચાલકો
અમદાવાદઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની અણઘડ નીતિને કારણે ગ્રાન્ટેડ શાળાના સંચાલકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઘણી બધી ગ્રાન્ટેડ શાળાઓ તાળા લાગી ગયા છે. બીજીબાજુ ખાનગી શાળાઓ વધતી જાય છે. ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શિક્ષકો અને આચાર્યની ભરતી થતી નથી, મોટાભાગની શાળાઓ પ્રવાસી શિક્ષકોથી ચાલે છે. હાલ 20 ટકા નિભાવ ગ્રાન્ટ આપવામાં આવે છે, એમાં જો બોર્ડનું પરિણામ ઓછુ આવે તો ગ્રાન્ટમાં કપાત કરવામાં આવે છે. આથી સરકારે ગ્રાન્ટની નીતિમાં ફેરફાર કરવો જોઈએ તેવી શાળા સંચાલકોએ માગણી કરી છે.
રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલો સરકારની ગ્રાન્ટ નીતિના કારણે બંધ થઇ રહી છે. હજુ સુધી વર્ષો જૂની જે ગ્રાન્ટ નક્કી થઇ હતી. તે ગ્રાન્ટ મુજબ જ ગ્રાન્ટેડ સ્કૂલોને ગ્રાન્ટ આપવામાં આવે છે. જેથી ગ્રાન્ટેડ સ્કૂલોનું હવે ટકવું મુશ્કેલ થઇ રહ્યું છે. નવી બનેલી સરકારના નવા શિક્ષણમંત્રી પાસે શાળા સંચાલકોએ ગ્રાન્ટ નીતિમાં ફેરફાર કરવા માગ કરી છે. શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલના કહેવા મુજબ ગ્રાન્ટ નીતિ સાથે ખાનગી સ્કૂલોનો વ્યાપ વધ્યો તે પણ ગ્રાન્ટેડ સ્કૂલ બંધ થવાનું એક કારણ છે. ગ્રાન્ટેડ સ્કૂલ બંધ થાય તેની સામે ખાનગી સ્કૂલો બે ગણા પ્રમાણમાં વધી રહી છે. ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષક અને આચાર્યની ભરતી પણ થતી નથી, જેથી પ્રવાસી શિક્ષકો દ્વારા સ્કૂલો ચાલે છે. ગ્રાન્ટેડ શાળાઓના વિવિધ પ્રશ્ને અંગે રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ મંત્રી કૂબેર ડિંડોરને પત્ર લખીને જણારજુઆત કરવામાં આવી છે.
ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રીને એવી રજુઆત કરી છે.કે, સરકારની ગ્રાન્ટ આપવાની નીતિને કારણે શાળાઓ બંધ થઇ રહી છે. સંચાલકો પોતાની સ્કૂલો ચલાવવામાં મૂંઝવણ અને ગૂંગળામણ અનુભવી રહ્યા છે. 20 ટકા નિભાવ ગ્રાન્ટ આપવામાં આવે છે, નિભાવ ગ્રાન્ટ આપતા બોર્ડનું પરિણામ ધ્યાને રાખવામાં આવે છે. બોર્ડના પરિણામ મુજબ ગ્રાન્ટ કાપવામાં પણ આવે છે. છેલ્લા 10 વર્ષમાં 50 ટકા જેટલું સરેરાશ પરિણામ આવ્યું છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને સહાયનું ધોરણ સુધારવા જોગવાઈ કરવામાં આવી હતી. જે મુજબ વર્ગદીઠ માસિક ગ્રાન્ટ 1800માંથી 2400 કરવામાં આવી હતી. બોર્ડની ટકાવારીને બદલે નાપાસ વિદ્યાર્થી દીઠ ટોકન રકમ નિયત કરવામાં આવે તો ગ્રાન્ટ કાપથી સ્કૂલોને નુકસાન ના થાય. 2023થી ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો અમલ કરવામાં આવશે, ત્યારે મૃતપ્રાય થઇ રહેલી સંસ્થાઓને બચાવવા વર્તમાન ગ્રાન્ટની નીતિમાં ફેરફાર કરવો જરૂરી છે.
ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળના એક અગ્રણીએ જણાવ્યું હતું કે, અગાઉ જૂની સરકારમાં પણ અનેક રજૂઆત કરવામાં આવી હતી, તે મુજબ હવે નવી સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં ઘણીબધી ગ્રાન્ટેડ સ્કૂલો કેટલાક ટ્રસ્ટના નેજા હેઠળ ચાલે છે. સરકાર સ્કૂલોને ગ્રાન્ટ આપે છે, પરંતુ સ્કૂલોના ખર્ચ જોવા જઈએ તો સરકારની ગ્રાન્ટ ચણા-મમરા સમાન છે. એક તરફ ખાનગી સ્કૂલોને પ્રોત્સાહન મળતું હોય તેમ FRC લાખો રૂપિયાની ફી પણ મંજૂર કરે છે અને બીજી તરફ ગ્રાન્ટેડ સ્કૂલો જૂની પદ્ધતિથી ગ્રાન્ટ મેળવીને ઓક્સિજન પર આવી ગઈ છે. એમાં પણ કેટલીક સ્કૂલો ઓક્સિજન પરથી વેન્ટિલેટર સુધી પહોંચી હોય એવી સ્થિતિ થઈ છે . હાલની 7300 ગ્રાન્ટેડ સ્કૂલમાંથી 4300 ગ્રાન્ટેડ સ્કૂલ માધ્યમિકની જ છે, જેમાં ધોરણ9 અને 10નો જ અભ્યાસ કરાવવામાં આવે છે, જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર મધ્યમિકની 3000 સ્કૂલ છે. આ સ્કૂલોમાંથી હજુ અનેક સ્કૂલ બંધ થવા તરફ જઈ રહી છે. ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થવાનું મુખ્ય કારણ ત્યારે સરકારની ગ્રાન્ટ નીતિ જ છે. (file photo)