પાટણમાં 100 કરોડનાં ખર્ચે 10 એકરમાં ડાયનાસોર પાર્ક અને સાયન્સ મ્યુઝિયમનું નિર્માણ કરાશે
પાટણઃ ગુજરાતની પ્રાચિન રાજધાની અને ઐતિહાસિક નગરી પાટણ તેની બેનમૂન વૈશ્વિક વિરાસત રાણકીવાવથી જગ વિખ્યાત બન્યું છે. ત્યારે હવે પાટણની નજીક ચોરમારપુરા ખાતે 10 એકર જમીનમાં આકાર પામી રહેલા પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમ પણ તેની ઓળખ અને વિશેષતામાં વધારો કરશે. આ મ્યુઝિયમમાં બનનારા ડાયનાસોર ગેલેરી પણ હવે પાટણની નવી ઓળખ બની શકે એમ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ શિહોરી રોડ પર સરસ્વતી સેવા સદનની સામે સમાલપાટીની સીમમાં રાજ્ય સરકાર દ્વારા 10 એકર જમીન પર અંદાજે 100 કરોડનાં ખર્ચે પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમની સાથે ગુજરાતનાં એકમાત્ર બાલાસિનોર ડાયનાસોર પાર્ક કરતાં પણ મોટી ડાયનાસોર ગેલેરીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરનાં લોકો તથા પાટણમાં પ્રવાસાર્થે આવતાં મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત અહીં બનનારા સાયન્સ મ્યુઝિયમમાં જિલ્લાની વિશિષ્ટતાઓને ધ્યાનમાં રાખીને પાંચ વિશેષ ગેલેરીઓનાં નિર્માણ સાથે સુર્યપ્રકાશથી સમય દર્શાવતો સન ડાયલ એરિયા, ઈરિગેશન સિસ્ટમ સાથેનો ગાર્ડન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બાળકોનાં મનોરંજન માટે ડાયનાસોર રાઈડ્સ, હોમ થિયેટર, પર્યટકોનાં રિફ્રેશમેન્ટ માટે ચા-પાણી-નાસ્તો અને જમવાની બેઠક વ્યવસ્થા સાથેની રેસ્ટોરન્ટ, તમામ ગેલેરી સહિત સંપુર્ણ બિલ્ડીંગમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા 10 લાખ લીટરની ક્ષમતાનો વરસાદી પાણી સંગ્રહ કરવા માટેનો સ્ટોરેજ એરિયા, 100 કેવી ક્ષમતાનો સોલાર પ્લાન્ટ જેવી અધતન સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવનાર છે, જેનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે અને પૂર્ણતાનાં આરે છે. આ ગેલેરી મુલાકાતીઓને પુરાતન યુગમાં લઈ જશે. પૃથ્વી પર ડાયનાસોરનું અસ્તત્વ હતુ તેમ આબેહૂબ જીવંત કદના ડાયનાસોરને નજીકથી નિહાળવાનો તેમજ ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે, અનિ મેટ્રોનીકસ જેવા ડાયનાસોસર્સ મુલાકાતીઓને મંત્રમૃગ્ધ કરશે તથા ડાયનાસોરનાં ઉદય અને અસ્ત થવાનાં કારણોની સમજૂતી પણ પ્રાપ્ત થશે.