રાજકોટઃ શહેરમાં છેલ્લા બે મહિનાથી ગાલપચોળિયાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દવાખાનામાં પ્રતિદિન 300 જેટલા કેસ નોંધાય રહ્યા છે. સામાન્ય રીતે જ્યારે સીઝન બદલાય ત્યારે વાઇરલ ઇન્ફેક્શનને કારણે આવા કેસો બનતા હોય છે, પરંતુ તેની સંખ્યા પ્રમાણમાં મર્યાદિત હોય છે. જોકે એકસાથે આટલી મોટી સંખ્યામાં ગાલપચોળિયાના કેસો નોંધાતા હવે બાળકોને વેક્સિનેશન એકમાત્ર ઉપાય હોવાથી વાલીઓને જાગૃત રહેવા તબીબો દ્વારા અપીલ કરી છે.
રાજકોટ શહેરમાં ખાસ કરીને બાળકોમાં ગાલપચોળિયાના કેસો વધુ જાવા મળી રહ્યા છે. ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ તબીબોના કહેવા મુજબ શહેરમાં આમ તો છેલ્લા પાંચેક મહિનાથી ગાલપચોળિયાના કેસો વધી રહ્યા છે, પરંતુ છેલ્લા બે મહિનાથી બાળકોના ડોક્ટર પાસે રોજના ત્રણ કેસ સારવાર માટે આવી રહ્યા છે. શહેરમાં 150 કરતા વધારે પીડિયાટ્રીશિયન છે. આ પૈકી 100 ડૉક્ટર્સ પાસે પણ 3 કેસ ગણીએ તો રોજના 300 કેસ એટલે કે મહિનાનાં ઓછામાં ઓછા 7 હજાર કરતા પણ વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે લોકોએ ગભરાવાની નહીં પણ સાવચેતી રાખવાની જરૂર છે. ગાલપચોળિયાના કેસો અટકાવવાનો એકમાત્ર ઉપાય વેક્સિન છે. જેમાં જુદા જુદા બે પ્રકારની વેક્સિન હોય છે. આ પૈકી સરકારી હોસ્પિટલમાં MVEX નામની વેક્સિન આપવામાં આવતી હોય છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં MMR નામની વેક્સિન આપવામાં આવે છે. જેનાથી ઓરી, નૂરબેબી અને ગાલપચોળિયાના રોગથી રક્ષણ મેળવી શકાય છે. આ રસી પ્રથમ વખત બાળક 1.5 થી 2 વર્ષનું થાય ત્યારે અને તેનો બુસ્ટર ડોઝ બાળક 4.5 થી 8 વર્ષનું થાય ત્યારે આપવાનો હોય છે. ગાલપચોળિયાના કેસોમાં આ વધારો થતો અટકાવવા વેક્સિનેશન માટેની જાગૃતિ ખૂબ જરૂરી છે.
તબીબોના મતે ગાલપચોળિયા ભલે આપણને સામાન્ય બિમારી લાગતી હોય, પરંતુ કોઇક વખત તે માનવી માટે જોખમ ઉંભુ કરી દે છે. જોકે સામાન્ય રીતે 5-7 દિવસમાં ગાલપચોળિયા અને અછબડા મટી જતા હોય છે, પરંતુ કોઇક વખત ગાલપચોળિયાને કારણે મેનેનજાઈટીસ (મગજ ઉપર સોજો આવી જવો), સ્વાદુપીંડ ઉપર સોજો આવી જવો, પુરૂષોને ટેસ્ટીસ તથા સ્ત્રીઓને ઓવરી જેવા અંગો ઉપર અસર થવી વગેરે કોમ્પ્લીકેશન્સ પણ થઇ શકે છે. ત્યારે ગાલપચોળિયા સામે વેક્સિનેશન સહિતની તકેદારી રાખવાથી તેનાથી બચી શકાય છે.