Site icon Revoi.in

સુરતમાં આજે સાંજે તાપી નદીના ઘાટ પર યોજાશે દીપોત્સવ, 2 લાખ દીવડાં પ્રગટાવાશે

Social Share

સુરતઃ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લીધે અન્ય શહેરોની જેમ સુરત શહેરના લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. શહેરના તાપી નદીના આરતી ઘાટ ખાતે નમસ્તુભ્યમ પરિવાર દ્વારા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વ સંધ્યાએ એટલે કે આજે રવિવારે સાંજના સમયે ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ યોજાશે. જેમાં બે લાખથી વધુ દીવડાઓથી સમગ્ર તાપી ઘાટને શણગારવામાં આવશે. સાથે જ આ કાર્યક્રમમાં કાર સેવકોનું સન્માન કરવામાં આવશે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કરાશે અને તાપી નદીની ભવ્ય આરતી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં 20 હજારથી વધુ લોકો જોડાશે.

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લીધે સુરતમાં ઠેર ઠેર નાના મોટા ભવ્ય કાર્યક્રમોના આયોજનો થઈ રહ્યા છે, જે અંતર્ગત સુરતના જહાંગીરપુરા ખાતે આવેલા તાપી આરતી ઘાટ ખાતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ વિશેષ દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. તાપી નમસ્તુભ્યમ દ્વારા તાપી ઘાટ ખાતે સૂર્યનગરી દીપોત્સવ 2024નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તાપી આરતી ઘાટના કિનારે દીપોત્સવ સાથે જુદા-જુદા પ્રકારના વિશેષ કાર્યક્રમો યોજાશે. જેમાં આ ઘાટ પર બે લાખથી પણ વધુ દીવડાવો પ્રગટાવીને આખા ઘાટને વિશેષ શણગાર કરવામાં આવી રહ્યો છે. આ દીવોત્સવના કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવશે. ઉપરાંત અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે સુરતથી ગયેલા કાર સેવકોનું પણ સન્માન કરવામાં આવશે. આ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે અને ત્યારબાદ રોજ કરતા વિશેષ તાપી માતાની ભવ્ય આરતી કરવામાં આવશે.

તાપી નમસ્તુભ્યમ ચેરીટેબલ ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં બિરાજમાન શ્રીરામ ભગવાન સૂર્યદેવના વંશજ હતા. સુરત સૂર્યદેવની નગરી કહેવાય છે અને શહેરમાંથી વહેતી તાપી નદી સૂર્ય પુત્રી તરીકે ઓળખાય છે. ત્યારે અયોધ્યામાં ફરી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તેને લઈ સૂર્યપુત્રી તાપી નદીના ઘાટે પર આ શુભ અવસરને ઉજવવાનું આયોજન કરાયું છે. દિવાળીની જેમ તાપી નદી કિનારે ભવ્ય દીપોત્સવ મનાવવાનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં રામાયણના જુદા-જુદા જે અધ્યાયો છે, તેની જુદી-જુદી આકૃતિ દીપોથી તૈયાર કરવામાં આવશે. દીવડા એકત્ર કરવામાં આવ્યા છે, તે તમામ શહેરની જુદી-જુદી જનતા દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી 20,000થી વધુ લોકો જોડાશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આ કાર્યક્રમને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે તાપી આરતી ઘાટ ખાતે અત્યાર સુધીના સૌથી મોટો અને વિશાળ આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ.