ગાંધીનગરઃ રાજ્યના દિવ્યાંગોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર અનેકવિધ નવતર પગલાં લઈ રહી છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે દિવ્યાંગોને સહાયરૂપ થવા માટે GSRTCની તમામ બસોમાં રાજ્ય બહાર મુસાફરી દરમિયાન બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલ્લાં સ્ટેશન સુધી વિનામૂલ્યે/નિશૂલ્ક મુસાફરી યોજનાઓ લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તેમ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, રાજ્યના દિવ્યાંગ વ્યક્તિઓને અભ્યાસ, સારવાર, નોકરી ધંધાના સ્થળે અને અન્ય સામાજિક કારણસર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-GSRTCની બસોમાં પ્રવાસ કરવા માટે વિનામૂલ્યે મુસાફરી કરવાની યોજના અમલમાં છે. જે માટે કોઈ આવક મર્યાદા નથી. આ યોજના અંતર્ગત અત્યાર સુધી રાજ્યની અંદર આવેલા છેલ્લાં બસ સ્ટેશન સુધી મુસાફરી કરવાના કિસ્સામાં લાભ આપવામાં આવતો હતો. હવે તેમાં ફેરફાર કરીને દિવ્યાંગોને જીએસઆરટીસીની તમામ બસોમાં રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલ્લાં સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરી યોજનાઓ લાભ આપવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, GSRTC દ્વારા રાજ્ય બહાર અંદાજિત 168 બસ રૂટ ઉપર એસટી બસો પરિવહન કરે છે. ગત કેલેન્ડર વર્ષમાં આ યોજના હેઠળ 60 લાખ દિવ્યાંગ વ્યક્તિઓને ટિકિટનો તથા નવ લાખ તેમના સહાયકોને ટિકિટનો લાભ આપી રૂ.28 કરોડથી વધુનો ખર્ચ રાજય સરકારે કર્યો હતો. નવીન નિર્ણયના પરિણામે 3.18 લાખ દિવ્યાંગ બસ પાસ ધારકોને લાભ થશે. આ માટે અંદાજિત રૂ. 2,5 કરોડનું ભારણ દિવ્યાંગો વતી રાજય સરકાર વહન કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.