ગાંધીનગરઃ કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકારના રજૂ થયેલા બજેટ વર્ષ 2024-25 મુદ્દે પત્રકારોને જણાવ્યું કે રાજ્યમાં મહેસૂલી ટેક્સની આવકમાં ખૂબ જ વધારો થયો છે, સામે લોકોને રાહતો આપવામાં સરકારે ખૂબ કંજુસાઈ કરી છે. સરકારની આવકો વધી,પણ પ્રજાને કોઈ પણ જાતની રાહત ન મળી. પ્રજાને અપેક્ષા હતી કે ગત વર્ષના બજેટમાં પણ ખાલી જાહેરાતો થઈ પણ આ વર્ષના બજેટમાં કઇ ચોક્કસ મળશે. પ્રજાની બે જે મુખ્ય બે સમસ્યાઓ છે કે મોંઘવારી અને બેરોજગારી મોંઘવારીમાંથી છુટકારો મળશે અને યુવાનોને રોજગારી મળશે પરંતુ આ બંને આશાઓ ઠગારી નીકળી છે.
તેમણે મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સરકારના બજેટને ટાંકીને કહ્યું કે, રાજ્યમાં પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે, પ્રજાને આશા હતી કે, આ બજેટમાં ગૃહિણીઓને 450 રૂપિયામાં ગેસનો બોટલ મળશે પરંતુ ગૃહિણીઓની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. કોઈ પણ જાતની રાહત આપવામાં આવી નથી.લાખો બેરોજગાર યુવાનો રાહ જુએ છે. અને ભરતીની તૈયારી કરે છે અને એવા યુવાનોનું ભવિષ્ય સુદઢ થાય એવું કોઈ નક્કર આયોજન જોવા મળ્યું નથી.કર્મચારીઓને કર્મયોગી કહેતી સરકાર મુદ્દે તેમણે જણાવ્યું કે ગુજરાત સરકાર કામર્ચારીઓને કર્મયોગી તો કહે છે, ગુજરાત સરકારની આ યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં દિવસ રાત મહેનત કરતાં હોય એવા લાખો કર્મચારીઓને પણ એમ હતું કે, ડબલ એન્જિન સરકાર છે, જૂની પેન્શન યોજના લાવવાની કોઈપણ વાત આ બજેટમાં કરવામાં આવી નથી.
વિપક્ષના નેતાએ સરકારી કાર્યક્રમોની ટીકા કરતાં તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારની આવકો વધી સામે સરકારના ઉત્સવો અને તાયફા થયા અને તેનાથી લોકોને રાહતો ના મળી પણ રાજ્યનું દેવું વધ્યું. વર્ષ 2023- 24માં રાજ્ય સરકારનું દેવું રૂપિયા 3,77,362 કરોડ રૂપિયાએ પહોંચ્યુ છે. જેનું 25,212 કરોડ રૂપિયા તો ખાલી વ્યાજ માટે ખર્ચ થયો છે. આ વખતનો જે અંદાજ આપવામાં આવ્યો વર્ષ 2024-25, એ અંદાજ મુજબ રાજ્યનું દેવું થશે 4,26,380 કરોડ ગત વર્ષ કરતાં 50,000 કરોડનું દેવું વધારવા સરકાર જઈ રહી છે. એની સામે વ્યાજમાં પૈસા જશે એ આ વખતે 35,000 કરોડ વ્યાજમાં ખર્ચ થશે.એવું કહેવાય કે દેવું કરીને ઉત્સવો કરવામાં આવે છે એટલે એવું પણ બને કે દેવું ચૂકવવા માટે પણ ભવિષ્યમાં લોન લેવી પડે એવી સ્થિતિનું નિર્માણ થાય. ગત વર્ષએ 24,000 કરોડ રૂપિયા પેન્શનમાં ચૂકવવામાં આવ્યા હતા જ્યારે દેવું ચૂકવવામાં 25,000 કરોડ ખર્ચ થયો એટલે કે કર્મચારીઓના પેન્શન કરતાં પણ વધુ રકમ ફક્તને ફક્ત વ્યાજમાં જાય છે.આ સરકારે હમેશા ભેદભાવ વારી નીતિ રાખી છે. એક બાજુ શહેરીકરણ વધતું જાય એને પ્રોત્સાહન આપે છે અને બીજી બાજુ ગામડા તૂટતાં જાય છે તેને રોકવા માટેનું કોઈ નક્કર આયોજન નથી.
સરકાર ધ્વારા રાજ્યની 82% વસ્તી સાથે કરવામાં આવતા ભેદભાવ મુદ્દે તેમણે કહ્યું કે સરકાર સબકા સાથસબકા વિકાસની વાતો તો કરે પણ રાજ્યમાં સૌથી વધુ વસ્તી એસસી એસટી ઓબીસી માયનોરીટી સમાજની છે જેમાં 52 % વસ્તી બક્ષી પંચ સમાજની છે, 7 % વસ્તી અનુસૂચિત જાતિ સમાજની છે , 14 વસ્તી અનુસૂચિત જનજાતિ સમાજની છે,9% વસ્તી લઘુમતી સમાજની છે. આ 82 વસ્તીને જ્યારે બજેટ આપવાનું થાય તો સરકારે કાયમ ભેદભાવ અને અન્યાય કર્યો છે. એને 250 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા અને બિન અનામત આયોગને 600 કરોડ ફાળવવામાં આવ્યા છે. ગુજરાતના ખેડૂતો દેવાદાર બની રહ્યા છે. તેને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા. ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે, તેને આર્થિક દેવામાંથી બહાર કાઢવા માટે દેવા માફ કરવા માટેની કોઈ નક્કર આયોજન કે જોગવાઈ આ બજેટમાં જોવા નથી મળતી.