Site icon Revoi.in

ડીસાના બાઈવાડા ગામની પ્રાથમિક શાળાની ચારેબાજુ પાણીથી વિદ્યાર્થીઓને મુશ્કેલી

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં છેલ્લા બે દિવસ દરમિયાન સારોએવો વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ડીસા પંથકમાં મોડી રાત્રેથી પડેલા અવિરત વરસાદના કારણે તાલુકાના અને ગામોમાં વરસાદી પાણી ભરાયા છે.  જેમાં બાઈવાડા ગામે પ્રાથમિક શાળાની ચારે બાજુ પાણી ભરાઈ જતાં બાળકો શાળાએ જઈ શકે તેવી સ્થિતિ ન હતી. ગ્રામજનોએ બાળકોને શાળાએ મોકલવા માટે ટ્રેકટરની વ્યવસ્થા કરી છે.

ડીસા તાલુકાના બાઈવાડા ગામે ગઈકાલે પાંચ સપ્ટેમ્બરે શાળામાં શિક્ષકદિનનો કાર્યક્રમ તેમજ શાળાના શિક્ષકોએ તિથિ ભોજન આપતાં બાળકો શાળાએ આવ્યા હતા, પરંતુ શાળામાં જઈ શકે તેમ ન હતા. જેથી ગામના લોકો ટ્રેક્ટર મારફત બાળકોને શાળામાં લઈ ગયા હતા અને મોડેથી બહાર પણ લાવ્યા હતા. આ શાળામાં જવાનો માર્ગ નીચાણવાળો હોઈ કેડ સમા પાણી ભરાઈ જવા પામ્યા હતા. શાળાની આજુબાજુ વરસાદી પાણી ભરાયેલા હોવાથી બાળકો શાળાએ જઈ શકતા નથી. આ અંગે ગ્રામજનોના કહેવા મુજબ ગામની પ્રાથમિક શાળા આગળ તેમજ ડેરી આગળ નીચાણવાળો ભાગ હોવાથી વર્ષોથી પાણી ભરાઈ જાય છે. જે અંગે ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે, પરંતુ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરાતી નથી. જેથી દર ચોમાસાની સીઝનમાં બાળકોને આ રીતે પાણીમાં ચાલીને અથવા ટ્રેક્ટરમાં બેસીને શાળામાં જવું પડે છે.

શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, શાળામાં શિક્ષક દિન હોવાથી શિક્ષકો દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. જેથી બાળકો આવ્યા હતા, પરંતુ વધુ વરસાદથી બહાર પાણી ભરાઈ ગયું હતું. ગ્રામજનોની મદદથી તેઓને ટ્રેક્ટરમાં લાવવામાં આવ્યા હતા બાળકો શાળામાં સલામત છે.