અમદાવાદઃ ગુજરાતમાં અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જતા હોય છે. વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે કોવેક્સિને આફત સર્જી છે. વિદેશમાં કોવેક્સિનને મંજૂરી મળી નથી. ડબ્લ્યુએચઓની મંજૂરી મળે પછી જ વિદેશમાં એ માન્ય ઠરશે. જોકે શહેરના કેટલાક વિદ્યાર્થીઓએ કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. તેમની પાસે કોવેક્સિન લીધા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જુલાઈમાં અભ્યાસ માટે વિદેશ જનારા વિદ્યાર્થીઓએ જુદા જુદા દેશોની કોલેજોમાં લાખોની ફી ભરી દીધી છે.
પહેલી વખત વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. ઘણા વિદ્યાર્થીઓએ તો 18 લાખ સુધીની ફી એડવાન્સ ભરી દીધી છે. હવે વેક્સિનને કારણે જો તેઓ અભ્યાસ માટે વિદેશ નહીં જઈ શકે તો ફીની રકમનો કોઇ મતલબ નહીં રહે એવો ડર સતાવી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ, અમદાવાદ શહેરમાં 18થી 44 વયજૂથના લગભગ 60 હજાર લોકોએ પ્રથમ ડોઝ અને 15 હજાર લોકોએ બીજો ડોઝ લઈ લીધો છે.
અમદાવાદ સહિત રાજ્યમાં વિદ્યાર્થીઓમાં કેનેડા ભણવા જવા માટેનો ક્રેઝ સૌથી વધુ છે. વિદેશ જનારા ઘણા વિદ્યાર્થીઓએ કોવેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. ઘણાએ બીજો ડોઝ પણ લઇ લીધો છે. ત્યારબાદ ખ્યાલ આવ્યો કે કેનેડામાં કોવેક્સિનને માન્યતા નથી. અત્યાર સુધી ઘણા વિદ્યાર્થીઓએ વિદેશ અભ્યાસ માટે 18 લાખનો ખર્ચ કર્યો છે. હવે જો આટલી રકમનો ખર્ચ કર્યા બાદ પણ ઓનલાઇન ભણવું પડે તો કોઇ મતલબ નથી. ઘણા વિદ્યાર્થીઓએ વેક્સિનને લઇને સમસ્યા ઊભી થઈ છે.
સરકારે વિદ્યાર્થીઓના હિતમાં કોઇ નિર્ણય કરવો જોઇએ. ઘણા એવા પણ વિદ્યાર્થીઓ છે કે, તેઓ કોરોના સંક્રમિત બન્યા હતા. અને તેમનો નેગેટિવ રિપોર્ટ આવી ગયો છે. નિયમ પ્રમાણે નેગેટિવ રિપોર્ટના ત્રણ મહિના બાદ વેક્સિન લઈ શકાય. હવે બે-ત્રણ મહિનામાં જ વિદેશમાં કોલેજો શરૂ થઈ જશે. એટલે વેક્સિનના ડોઝ ન મળ્યો હોવાથી આવા વિદ્યાર્થીને પણ વિદેશ જવાનું અટકી જાય તેવી સ્થિતિ છે.