Site icon Revoi.in

કોંગ્રેસમાં બેફામ આક્ષેપ કરનાર નેતાઓ અને કાર્યકર્તાઓ સામે શિસ્તભંગના પગલાં લેવાશેઃ અમિત ચાવડા

Social Share

 

અમદાવાદઃ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત બાદ કોંગ્રેસમાં આંતરિક અસંતોષ સામે આવ્યો છે. દરમિયાન ટીકીટ નહીં મળતા નારાજ નેતાઓ અને કાર્યકરોએ પાર્ટી સામે આક્ષેપ કરી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસમાં બેફામ આક્ષેપ કરનારા નેતા અને કાર્યકરો સામે શિસ્તભંગની કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કેટલાક લોકોએ રાજીનામાનું નાટક કર્યું છે. જે ખોટા આક્ષેપ કરશે તેમની સામે કાર્યવાહી થશે. નારાજગી હોય તે સ્વાભાવિક છે, પરંતુ રજૂઆત કરવાની એક રીત હોય છે. જેણે મર્યાદા નથી જાળવી તેની સામે કોંગ્રેસે પગલાં લીધાં છે અને આગળ પણ પગલાં લેવામાં આવશે. કોંગ્રેસમાં બેફામ આક્ષેપ કરનાર નેતાઓ અને કાર્યકર્તાઓ સામે શિસ્તભંગના પગલાં પણ લેવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે, ઉમેદવારોની પસંદગી સ્થાનિક સ્તરે થઈ છે અને યુવાનોને ચૂંટણીમાં તક આપવામાં આવી છે. પ્રજા કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી મતદાન કરીને કોંગ્રેસને જીતાડશે. ગુરુવારથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવશે. તેમજ ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરવામાં આવશે.