અમેરિકાના વિદેશ મંત્રી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને મુદ્દે ચર્ચા
નવી દિલ્હીઃ અમેરિકાએ ગાઝામાં યુદ્ધવિરામ માટે નવા પ્રયાસો કર્યા છે. આ અંગે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની જે. બ્લિંકન તેમની મધ્ય પૂર્વ મુલાકાતના પ્રથમ તબક્કામાં સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. તેમણે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે લગભગ 123 દિવસથી ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને રોકવા પર ચર્ચા કરી. ઉલ્લેખનીય છે કે ગાઝામાં બંધકોને મુક્ત કરવાના પ્રસ્તાવ પર અમેરિકા તેના સહયોગી દેશોને એક કરવાની કોશિશ કરી રહ્યું છે.
બ્લિંકને ક્રાઉન પ્રિન્સ સાથે મધ્ય પૂર્વમાં ઈરાન સમર્થિત મિલિશિયાની દખલગીરી અંગે પણ ચર્ચા કરી હતી. બ્લિંકન 7 ઓક્ટોબર પછી પાંચમી વખત સાઉદી અરેબિયા પહોંચ્યા છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથેની બેઠકમાં “ગાઝામાં કટોકટીનો કાયમી અંત” કેવી રીતે હાંસલ કરવો તેની જરૂરિયાત અંગે ચર્ચા કરવામાં આવી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે પત્રકારો સાથે બંને વચ્ચેની વાતચીતની ટૂંકી વિગતો શેર કરી છે.
ઈઝરાયેલ અમેરિકા અને સાઉદી અરેબિયાના પ્રયાસો પર નજર રાખી રહ્યું છે. ગાઝા પટ્ટીમાં લડાઈ સમાપ્ત કરવા અને બાકીના બંધકોને મુક્ત કરવાના તેના પ્રસ્તાવ પર ઈઝરાયેલ સોમવારે હમાસના પ્રતિભાવની રાહ જોઈ રહ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હમાસ આ પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ, ઇજિપ્ત અને કતાર હમાસ તરફથી હકારાત્મક પ્રતિસાદની અપેક્ષા રાખે છે.