વાલીઓમાં ખાનગી સ્કૂલનો મોહભંગઃ 34000 વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલ છોડીને સરકારી સ્કૂલમાં લીધો પ્રવેશ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાલીઓ સંતાનોના સારા ભવિષ્ય માટે મોંઘી ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરાવવાનું પસંદ કરતા હતા. જો કે, કોરોના મહામારીને પગલે આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થતા વાલીઓ સ્કૂલની ઉંચી ફી તથા અન્ય મોંઘી વસ્તુઓના કારણે ખાનગી સ્કૂલમાં સંતાનોના અભ્યાસનો તેમનો મોહભંગ થયો હોવાનું માલુમ પડ્યું છે. બીજી તરફ ખાનગી સ્કૂલોને પણ સરકાર દ્વારા વધારે આધુનિક બનાવવામાં આવી છે. જેના કારણે હવે વાલીઓ પોતાના સંતાનોને ખાનગી કરતા સરકારી સ્કૂલોમાં ભણાવવાનું વધારે પસંદ કરી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલિત સ્કૂલ્સમાં છેલ્લા સાત વર્ષમાં કુલ 34000 વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારી શાળામાં એડમિશન લઈ લીધું છે. 2020-21 માટે કુલ 3334 વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ હેતું જોડાયા હતા. ફ્રી એજ્યુકેશન અને ડિગ્રીવાળા શિક્ષકોને કારણે લોકો હવે સરકારી સ્કૂલ્સમાં વિશ્વાસ કરતા થયા છે. આર્થિક સ્થિતિ અને સરકારી સ્કૂલ્સમાંથી આપવામાં આવતી સુવિધાને કારણે ખાનગી સ્કૂલ્સમાંથી સરકારી શાળામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2014-15માં 4,397 વિદ્યાર્થી, 2015-16માં 5,481 વિદ્યાર્થીઓ, 2016-17માં 5,005 વિદ્યાર્થીઓ, 2017-18માં 5,219 વિદ્યાર્થીઓ, 2018-19માં 5,791 વિદ્યાર્થીઓ, 2019-20માં 5,272 વિદ્યાર્થીઓ અને 2020-21માં 3,334 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
અમદાવાદ શાસનાધિકારી એલ.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, સરકારી નીતિઓને કારણે વાલીઓ સરકારી સ્કૂલ્સ તરફ વિચારતા થયા છે. સરકારી સ્કૂલમાં અભ્યાસની સાથે પાઠ્યપુસ્તકો, મધ્યાહન ભોજન, શિષ્યવૃતિ જેવી અનેક પ્રકારની યોજનાઓનો લાભ મળે છે. બીજી તરફ સરકારી સ્કૂલ્સની ફી ખાનગી શાળાઓ જેટલી હોતી નથી. આ ઉપરાંત સરકારી શાળાઓએ ડિજિટલ અને હાઈટેક સ્કૂલ્સનો અભિગમ અપનાવતા બાળકોને વાલીઓ સરકારી સ્કૂલ્સમાં એડમીટ કરી રહ્યા છે. આ વર્ષે નવી દસ સ્કૂલ્સ શરૂ કરાશે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરએ જણાવ્યું હતું કે, સરકારી શાળાઓમાં પણ ખાનગી સ્કૂલ્સની જેમ રમતગમતના મેદાન, હાઈટેક ટિચિંગ ક્લાસ, સ્વચ્છતા તથા ક્વોલિફાઈડ શિક્ષકો હોવાથી ખાનગી સ્કૂલ્સ સામે સ્પર્ધા શરૂ થઈ છે.