(સુરેશભાઈ ગાંધી)
– ૧૯૦૭માં કોંગ્રેસના રાજભક્ત જૂથે રાષ્ટભક્ત જૂથને કોંગ્રેસમાંથી બરતરફ કર્યાં.
– ૧૯૩૮માં સુભાષચંદ્ર બોઝને કોંગ્રેસ છોડવા મજબૂર કર્યાં.
– ૧૯૪૮માં જયપ્રકાશ નારાયણ કોંગ્રેસ છોડી સમાજવાદી કોંગ્રેસમાં ગયા.
– ૧૯૪૮માં આચાર્ય નરેન્દ્ર દેવ કોંગ્રેસ છોડી સમાજવાદી કોંગ્રેસના માર્ગે ગયા.
– ૧૯૫૧માં આંધ્રના શ્રી એન. જી. રંગાએ કોંગ્રેસ છોડી અલગ પ્રાદેશિક પક્ષની રચના કરી.
– ૧૯૫૬માં રાજગોપાલાચારીએ કોંંગ્રેસ છોડી સ્વતંત્ર પાર્ટીની રચના કરી.
– ૧૯૬૬માં ઓરિસ્સાના પ્રખર નેતા હરિકૃષ્ણ મહેતાબે કોંગ્રેસ છોડી અને ઓરિસ્સા જનપાર્ટી બનાવી.
– ૧૯૬૭માં લોકપ્રિય કિસાન નેતા ચૌધરી ચરણસિંહે પણ કોંગ્રેસ છોડીને ભારતીય ક્રાન્તિદલની સ્થાપના કરી.
સન ૧૮૮૫માં સ્થપાયેલી ભારતીય રાષ્ટીય કોંગ્રેસ સન ૧૯૦૭માં સુરતમાં યોજાયેલા અધિવેશનમાં પહેલી જ વાર બે ટુકડાઓમાં વહેંચાઈ ગઈ. (૧) એક જૂથ નરમ જૂથ, મવાળવાદી કે રાજભક્ત (Loyalist) તરીકે ઓળખાતું જ્યારે (૨) બીજું જૂથ ગરમ જૂથ, જહાલવાદી કે રાષ્ટભક્ત (Nationalist) તરીકે ઓળખાતું. સુરતના આ અધિવેશનમાં સભાના મંચ પર જ નરમ જૂથના લોકોએ ગરમ જૂથના લોકોને કોંગ્રેસ પક્ષમાંથી બહાર કરી દીધા, ત્યારે આપણને પ્રશ્ન થાય કે નરમજૂથના લોકો રાજભક્ત કેમ કહેવાય? કોંગ્રેસમાં અંગ્રેજી શાસનના જે ટેકેદાર હતા તે લોકો રાજભક્ત (Loyalist) કહેવાયા. અલબત્ત ભારતના લોકોમાં અંગ્રેજો પ્રત્યે રાજભક્તિ ઊભી થવાનાં કેટલાંક કારણો છે. આ સમજવા માટે આપણે બે ઘટનાઓ જોઈએ.
ભારતમાં રાજભક્તો પેદા થવાના કારણો
સન ૧૭૫૭માં બંગાળમાં પ્લાસીનું યુદ્ધ થયું. આ યુદ્ધમાં બંગાળમાં શાસન કરતી સિરાજુદૌલાની મુસ્લિમ સેનાને અંગ્રેજોની સેનાએ હરાવી દીધી, પરિણામે અનેક વર્ષોથી મુસ્લિમ શાસકોના અત્યાચારોથી પીડાતી હિન્દુ પ્રજામાં મુસ્લિમ સેનાને હરાવી દેનાર અંગ્રેજો પ્રત્યે ભારે અહોભાવ પેદા થયો. આ ઘટનાથી હિન્દુઓમાં અંગ્રેજો પ્રત્યેની રાજભક્તિનાં બીજ વવાયાં. આ સત્તાપલટા વિશે બંગાળના સન્માનનીય સમાજસુધારક રાજા રામમોહન રાય પણ બોલી ઊઠેલા કે, આ દેશને સેંકડો વર્ષોની ગુલામીમાંથી અંગ્રેજોએ મુક્ત કર્યો છે, તે માટે સૃષ્ટિના ઘટનાચક્રના નિયંતા કૃપાળુ પરમેશ્વરનો હું આભાર માનું છું. તેમણે ભાવાવેશમાં આવી અંગ્રેજ શાસનને ઈશ્વરીય વરદાન તરીકે પણ બિરદાવેલું.
ભારતીયોમાં અંગ્રેજો પ્રત્યે રાજભક્તિ દર્શાવતી બીજી એક ઘટના પણ જોઈએ. સન ૧૮૫૭ના સ્વાતંત્ર્ય યુદ્ધ સમયે ભારતીય વીરોએ ઉત્તર પ્રદેશના કાનપુરને અંગ્રેજોના કબજામાંથી મુક્ત કર્યું, પરંતુ કાનપુરના રાજભક્ત ભારતીયો ક્રાંતિકારીઓને મદદ કરવાને બદલે અંગ્રેજોને મદદ કરવામાં જોડાઈ ગયા. પરિણામે કાનપુર ફરીથી અંગ્રેજોના તાબામાં આવી ગયું અને અંગ્રેજી સેનાએ ભારતીય વીરોની કત્લેઆમ ચલાવી. કાનપુર ફરીથી અંગ્રેજોની પાસે આવી ગયું છે તે સમાચાર કલકત્તા પહોંચ્યા તો કલકત્તામાં ગણમાન્ય ગણાતા ઈશ્વરચંદ્ર દત્ત નામના એક રાજભક્તે અંગ્રેજો જીત્યાની ખુશાલીમાં પોતાના મિત્રોને શાનદાર મિજબાની આપેલી. આ ઈશ્વરચંદ્ર દત્ત કોઈ સામાન્ય નાગરિક ન હતા. તેઓ સંવાદ પ્રભાકર સમાચાર પત્રિકાના સ્થાપક અને સંપાદક હતા.
આમ પરાજિત, વિભાજિત, કૌવતહીન અને મંદ રાષ્ટચેતના ધરાવતા અસહાય હિન્દુઓ પોતાની સલામતી અને સુરક્ષા માટે અંગ્રેજભક્ત બનતા ગયા. તેનાથી પણ વધુ સન ૧૮૩૫માં લોર્ડ મેકોલેએ શરૂ કરેલી અંગ્રેજી શિક્ષણ યોજનાથી પ્રભાવિત થયેલા દેશના સંખ્યાબંધ બુદ્ધિજીવીઓ પણ રાજભક્તિમાં જોડાયા. જ્યારે ૧૮૮૫માં કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારે દેશના આ રાજભક્તો કોંગ્રેસમાં જોડાઈ ગયા.
વિદેશી મહારથીઓ કોંગ્રેસ પ્રમુખ બને છે
કોંગ્રેસના નેતાઓ પણ પાર્ટીના અધિવેશનોમાં યોજનાપૂર્વક વિદેશીમૂળના મહારથીઓને અધ્યક્ષ તરીકે બેસાડતા. તેમણે ૧૮૮૫ના અધિવેશનમાં એલન હ્યુમને, ૧૮૮૮ના અલ્હાબાદ અધિવેશનમાં જ્યોર્જ યુલને, ૧૮૮૯ના મુંબઈના અધિવેશનમાં વિલિયમ વેડરબર્નને, ૧૮૯૪ના મદ્રાસના અધિવેશનમાં આલ્ફ્રેડ વેબને, ૧૯૦૪ના મુંબઈના અધિવેશનમાં હેન્રી કોટનને અને ૧૯૧૭ના કલકત્તાના અધિવેશનમાં એની બેસન્ટને અધ્યક્ષ બનાવ્યા હતા.
અંગ્રેજી શાસનના મોંફાટ વખાણ
હવે કોંગ્રેસના લોકો ભારતભક્તિ વિશે બોલવાને બદલે અંગ્રેજી શાસનનાં મોંફાટ વખાણ કરતાં વક્તવ્યો આપવા લાગ્યા. સન ૧૮૮૫માં સ્થપાયેલ કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ વ્યોમેશચંદ્ર બેનરજી પ્રથમ અધિવેશનમાં બોલ્યા કે અંગ્રેજી રાજની કૃપાળુ છાયા હેઠળ આ દેશને અનેક લાભો પ્રાપ્ત થયા છે. સ્વયં દાદાભાઈ નવરોજી જેવા સજ્જન પણ અધ્યક્ષ પદેથી ગર્વભેર બોલેલા કે, અમે બ્રિટિશ સામ્રાજ્યનો બીજો પાયો રચી રહ્યા છીએ. ૧૯૯૫ના કોંગ્રેસી અધિવેશનમાં સુરેન્દ્રનાથ બેનરજી બોલેલા કે બ્રિટિશ સામ્રાજ્ય અમર રહો. અમદાવાદના કોંગ્રેસ અધિવેશનમાં સુરેન્દ્રનાથ બેનરજી બોલેલા કે, અમે પ્રાર્થના કરીએ છીએ કે, બ્રિટિશરાજ દેશમાં સદા સર્વદા બની રહો. ફિરોજશાહ મહેતા બોલી ઊઠેલા કે બ્રિટિશ શાસન તો ભગવાન તરફથી ભારતને મળેલી રહસ્યમય ભેટ છે.
આશ્ચર્યની વાત એ હતી કે, કોંગ્રેસના સ્થાપક એલન હ્યુમ ૧૯૦૪માં ભારત છોડી કાયમ માટે લંડન ગયા. પણ લંડનમાં બેઠાં બેઠાં કોંગ્રેસના મહામંત્રી બનીને ભારતની કોંગ્રેસને માર્ગદર્શન આપતા હતા. ૧૯૧૨માં એલન હ્યુમનું અવસાન થયું ત્યારે બાકીપૂરાના કોંગ્રેસ અધિવેશનમાં એલન હ્યુમને Life Long સેવા બદલ ભાવભીની શ્રદ્ધાંજલિ કોંગ્રેસે આપી હતી.
૧૮૫૭ની ઘટના પછી ભારતમાં સ્થપાયેલ મહારાણી વિક્ટોરિયાના શાસન પ્રત્યે લોકોને અહોભાવ હતો. ગુજરાતના લોકપ્રિય કવિવર દલપતરામે ૧૯૫૯માં પ્રગટ થયેલી તેમની હોપ વાચનમાળામાં લખેલી એક કવિતામાં તેઓ બ્રિટિશ શાસનની પ્રશંસા કરતાં લખે છે કે રાણી વિક્ટોરિયાનું શાસન આવતાં હવે…
દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતાં પકડે કાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્થાન.
ઇંગ્લીશના નેજાની નીચે તારાં તનુજ કરે ગુલતાન,
દિવસ ગયા ડરના ને દુઃખના, સુખના દિનનું દીધું દાન.
દેશમાં રાષ્ટભક્તિ જગવતાં પરિબળો
પરંતુ જ્યારે એક બાજુ રાજભક્ત નરમપંથી જૂથ કોંગ્રેસના મંચને પ્રભાવિત કરી રહ્યું હતું ત્યારે બીજી બાજુ આ દેશમાં ભારતભક્તિની જ્વાળા પણ પ્રગટી રહી હતી. સ્વામી દયાનંદ સરસ્વતી તથા સ્વામી વિવેકાનંદના ઉપદેશો અને ક્રિયાકલાપો દેશપ્રેમ જગાવી રહ્યા હતા, તો પ્રખર રાષ્ટભક્તિ ધરાવતા ક્રાન્તિકારીઓ અંગ્રેજી રાજ્ય વિરુદ્ધ જાનફેસાની કરી સ્વતંત્રતાની જ્યોત વધુ પ્રજ્વલિત કરી રહ્યા હતા. ૧૮૫૭ના નિષ્ફળ યુદ્ધ પછી માત્ર ૨૨ વર્ષ બાદ જ વાસુદેવ બલવંત ફડકે, ચાફેકર બંધુઓ મદનલાલ ધીંગરા, બારીન્દ્ર ઘોષ જેવા ક્રાંતિકારીઓએ અંગ્રેજ સત્તા વિરુદ્ધ વિદ્રોહની આગ પેટાવી દીધી હતી. તો ઉત્તર ભારતમાં આર્યસમાજ, બંગાળમાં બ્રાહ્મોસમાજ, મહારાષ્ટમાં પ્રાર્થનાસમાજ અને દક્ષિણમાં થિયોસોફિકલ સોસાયટી ભારતના જીવનમાં પુનરુત્થાન અને સમાજશક્તિ જગવવામાં કાર્યરત હતી. આ બધાના પ્રયત્નોને કારણે દેશમાં અંગ્રેજી શાસન વિરુદ્ધ અસંતોષ અને ભારતમાતા પ્રત્યેની અપાર ભક્તિ જેવી બન્ને લાગણીઓ સમાંતર રીતે વિકસિત થઈ રહી હતી. કોંગ્રેસના નરમ જૂથમાં ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજશાહ મહેતા, સુરેન્દ્રનાથ બેનરજી, દાદાભાઈ નવરોજી, અંબાલાલ દેસાઈ અને રાસબિહારી ઘોષ નેતૃત્વ કરી રહ્યા હતા તો બીજી બાજુ કોંગ્રેસના ગરમ જૂથના બાલગંગાધર ટિળક, લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ, અરવિંદ ઘોષ, ડૉક્ટર મુંજે અને ડૉ. હેડગેવાર જેવા નેતાઓ હતા. નરમદલના નેતાઓ અંગ્રેજી શાસકોની કૃપા હેઠળ અંગ્રેજી શાસકોને જરા પણ નારાજ કર્યા સિવાય શક્ય એટલા શાસકીય સુધારા થાય તેવા પ્રયત્નો કરી રહ્યા હતા, જ્યારે ગરમદલના નેતાઓ અંગ્રેજી શાસનની વિરુદ્ધ જલદ કાર્યક્રમો આપી પ્રજામાં જાગૃતિ લાવી અંગ્રેજી શાસન ભારતમાંથી વિદાય લે તેવી ઝુંબેશ ચલાવવામાં માનતા હતા.
ગરમ જૂથે ૧૯૦૬માં વિદેશી માલની હોળી જેવા જલદ કાર્યક્રમો આપ્યા. ટિળકજીએ ગર્જના કરીને કહ્યું કે, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે. તે હું મેળવીને જ જંપીશ. આ લોકો ખુલ્લેઆમ વંદે માતરમ્ ગીત ગાતા હતા. તેથી વેલેન્ટાઇન કિરોલ નામના એક અંગ્રેજ લેખકે ગરમદલના લોકમાન્ય ટિળકને `ભારતીય અસંતોષના જનક’ કહ્યા હતા. નરમદલના નેતાઓ અંગ્રેજ સરકારને માત્ર પ્રાર્થના, આવેદનપત્રો અને પ્રસ્તાવો કરવામાં જ સંતોષ અનુભવતા હતા તેથી કોંગ્રેસના અધિવેશનોમાં આ પરસ્પર વિરોધી વિચારધારાઓ ટકરાતી હતી પણ કોંગ્રેસના મંચ પર નરમદલના નેતાઓનો એટલો બધો પ્રભાવ હતો કે પોતાની સાથે સહમત ન થનાર ગરમદલના નેતાઓની કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરવાની તૈયારી પણ તેમનામાં હતી અને તે ઘડી પણ ૧૯૦૭માં સુરતમાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં આવી ગઈ જ્યારે કોંગ્રેસના બે ફાડચાં થઈ ગયાં.
૧૩૯ વર્ષની કોંગ્રેસ હવે વેરવિખેર થઈ રહી છે, શા માટે? કેવી રીતે?
સુરતના કોંગ્રેસ અધિવેશનમાં તોફાન
સુરતના અધિવેશનમાં રાષ્ટવાદીઓએ અધ્યક્ષપદ માટે ગરમદલના લાલા લજપતરાયના નામનું સૂચન કર્યું પણ નરમદલના ગોપાલકૃષ્ણ ગોખલેએ તેમના નામનો વિરોધ કર્યો. ગોપાલકૃષ્ણે અધિવેશન અગાઉ ઇંગ્લેન્ડ જઈ મોર્લે-મિન્ટો સમિતિવાળા લોર્ડ મોર્લે સાથે પરામર્શ કરી એવા નિર્ણય પર આવેલા કે અધિવેશનમાં જલદ કાર્યક્રમો કે પ્રસ્તાવો ન મુકવા. તેથી સુરતના અધિવેશનમાં સ્વદેશી, સ્વરાજ્ય, વિદેશી ચીજોનો બહિષ્કાર અને રાષ્ટીય શિક્ષણ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો તેથી ગરમદલના લોકો નારાજ હતા. ૨૬ ડિસેમ્બરના રોજ અધિવેશનમાં ૧૬૦૦ પ્રતિનિધિઓ અને ૧૦,૦૦૦ પ્રેક્ષકો હતા. હવે અધ્યક્ષપદ માટે ડૉ. રાસબિહારી ઘોષના નામની દરખાસ્ત મુકાઈ તો તેનો પણ જોરદાર વિરોધ થયો. ટિળકજીએ મંચ પર આવી વિચારો પ્રદર્શિત કરવા સૂચન કર્યું પણ ટિળકજીને અપમાનકારક સ્થિતિમાં મૂકી દીધા. આ દરમિયાન સભામંડપમાં ધમાલ શરૂ થઈ ગઈ. નરમ પંથી અને ગરમપંથી જૂથોના પ્રતિનિધિઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. ધમાલ દરમિયાન સભામંડપમાં ખુરશીઓ ઊછળવા લાગી. સભામંડપમાંથી કોઈનો જોડો મંચ પર ફેંકાયો. જે ફિરોજશાહ મહેતાને વાગ્યો. પરિણામે હાથાપાઈ શરૂ થઈ ગઈ, તેથી ટિળકજીને રક્ષણ આપી સભામંડપમાંથી બહાર લઈ જવામાં આવ્યા. બીજા દિવસે ટિળકજીએ સ્વરાજ્ય, સ્વદેશી, વિદેશી ચીજોનો બહિષ્કાર અને રાષ્ટીય શિક્ષણ અંગેના ગત વર્ષના ઠરાવોને માન્ય રાખવામાં આવે તેનો આગ્રહ કર્યો પણ તેમની વાતને ધ્યાન પર લેવામાં આવી નહીં બલ્કે તે દિવસે મળેલા સંમેલનમાં ગરમદલના પ્રતિનિધિઓને સંમેલનમાં પ્રવેશ જ આપવામાં ન આવ્યો. વધુમાં આ સંમેલને કોંગ્રેસનું બંધારણ ઘડવા એક સમિતિ બનાવી અને આ સમિતિએ ઘડેલા બંધારણ મુજબ ગરમદલના લોકોની કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરવામાં આવી. આમ સુરતના અધિવેશનમાં પહેલી જ વાર કોંગ્રેસમાં ઊભું ભંગાણ થયું અને આઝાદીના ઇતિહાસમાં સુરત વિભાજન નામનું પ્રકરણ કાળા અક્ષરે લખાયું.
સુભાષચંદ્ર બોઝને કોંગ્રેસ છોડવી પડી
સન ૧૯૩૮ના હરિપુરા અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝને પ્રમુખ બનાવવામાં આવ્યા. આ અધિવેશનમાં સુભાષ બાબુનું અત્યંત ઓજસ્વી પ્રવચન થયું. સુભાષબાબુએ યોજના આયોગની સ્થાપના કરી. સુભાષે બેંગલુરુમાં સર વિશ્વેશ્વરૈયાજીની અધ્યક્ષતામાં વિજ્ઞાન પરિષદની સ્થાપના કરી. પરંતુ ગાંધીજીને સુભાષ બોઝની કાર્યપદ્ધતિ પસંદ ન હતી. તેવામાં ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. સુભાષ માનતા હતા કે વિશ્વયુદ્ધને કારણે બ્રિટન ભીંસમાં હોવાથી ભારતને આઝાદી મળે તે માટે કોંગ્રેસે જલદ કાર્યક્રમો આપવા જોઈએ પણ ગાંધીજી યુદ્ધ દરમિયાન બ્રિટન મુશ્કેલીમાં મુકાય તેવા કોઈ કાર્યક્રમો કોંગ્રેસે ન કરવા જોઈએ તે મતના હતા. આમ, બંને નેતાઓ વચ્ચે મતભેદ હતો તેથી જ્યારે ૧૯૩૯માં થનાર અધિવેશનના નવા અધ્યક્ષ પસંદ કરવાનો સમય આવ્યો ત્યારે ફરી સુભાષ બોઝનું નામ મુકાયુ, પરંતુ ગાંધીજી સુભાષને બદલે પટ્ટાભી સીતારામૈયાને અધ્યક્ષ બનાવવા માંગતા હતા. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને પત્ર લખી સુભાષને જ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા જોઈએ તેવો આગ્રહ કરેલો. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક પ્રફુલ્લચંદ્ર રૉય અને વૈજ્ઞાનિક મેઘનાદ સાહાએ પણ ફરીથી સુભાષને જ અધ્યક્ષ બનાવવા જોઈએ તેવો મત પ્રગટ કર્યો. પણ ગાંધીજી સુભાષબાબુને અધ્યક્ષ બનાવવા સહમત ન હતા. આ બાબતમાં કોઈ સમજૂતી ન થતાં આખરે અધ્યક્ષપદ માટે ચૂંટણી કરવી પડી. વાતાવરણ એવું લાગતું હતું કે, પટ્ટાભિ સીતારામૈયાને ગાંધીજીનો સાથ છે એટલે સરળતાથી પટ્ટાભી ચૂંટાઈ જશે પણ ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે પટ્ટાભીને ૧૩૭૭ મત મળ્યા. જ્યારે સુભાષબાબુને ૧૫૮૦ મત મળતાં સુભાષ ચૂંટાઈ ગયા. પરંતુ પરિણામને ખુલ્લા દિલે સ્વીકારવાને બદલે ગાંધીજીએ પટ્ટાભીની હારને પોતાની હાર માની. અને પોતે કોંગ્રેસમાથી દૂર થઈ જશે તેવી ઇચ્છા પ્રગટ કરી. વળી ગાંધીજીના ટેકામાં કોંગ્રેસ કાર્યકારિણીના કુલ ૧૪માંથી ૧૨ સદસ્યોએ પણ રાજીનામાં ધરી દીધાં. ૧૯૩૯ના ત્રિપુરા અધિવેશનમાં ગાંધીજી ઉપસ્થિત જ ન રહ્યા. તેમના સાથીઓએ પણ સુભાષને કોઈ પ્રકારનો સહકાર ન આપ્યો, તેથી સુભાષ કોઈ કામ કરી શકે તેવી સ્થિતિમાં જ ન રહ્યા. અંતે થોડા દિવસો પછી સુભાષ હતાશ હૃદયે કોંગ્રેસમાંથી દૂર થઈ ગયા અને તેમણે ફોરવર્ડ બ્લોકની રચના કરી. આમ ફરી એકવાર કોંગ્રેસ વેરવિખેર થવા માંડી.
કોંગ્રેસ છોડવાનો સિલસિલો આઝાદી પછી પણ ચાલુ રહ્યો
૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના શુભ દિને ભારતને આઝાદી તો મળી પણ તે બાદ પંડિત નહેરુના જેવા જ સમર્થ નેતા જયપ્રકાશ નારાયણે પણ કોંગ્રેસ છોડી દીધી, કારણ કે પંડિત નહેરુના સમાજવાદના વિચારો અને કાર્યકલાપો પર તેમને વિશ્વાસ ન હતો. તેઓ પોતાના વિચારેલા માર્ગે દેશ માટે કામ કરવા કોંગ્રેસમાંથી મુક્ત થઈ ગયા. જયપ્રકાશ નારાયણ જેવા જ આચાર્ય નરેન્દ્ર દેવ પણ કોંગ્રેસ છોડી સમાજવાદી કોંગ્રેસના માર્ગે ગયા. તે પછી આંધ્રના શ્રી એન. જી. રંગાએ પણ ૧૯૫૧માં કોંગ્રેસ છોડી અને હૈદરાબાદમાં અલગ તેલંગણા માટે એક પ્રાદેશિક પક્ષની રચના કરી. તે પછી જેઓ ભારતના ચાણક્ય તરીકે ઓળખાયા છે તેવા ચક્રવર્તી રાજગોપાલાચારી કે જેઓ સ્વતંત્ર ભારતના પહેલા ગવર્નર જનરલ હતા તેમણે પણ કોંગ્રેસ છોડી ૧૯૫૬માં નેશનલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કરી જે પછીથી સ્વતંત્ર પાર્ટી તરીકે ઓળખાઈ. તે પછી ૧૯૬૬માં ઓરિસ્સાના પ્રખર નેતા હરિકૃષ્ણ મહેતાબે કોંગ્રેસ છોડી અને ઓરિસ્સા જનપાર્ટી બનાવી. ૧૯૬૭માં લોકપ્રિય કિસાન નેતા ચૌધરી ચરણસિંહે પણ કોંગ્રેસ છોડીને ભારતીય ક્રાન્તિદલની સ્થાપના કરી.
આમ સ્વતંત્ર ભારતમાં પણ કોંગ્રેસમાં વેરવિખેર થવાની ઘટનાઓ બનવા લાગી પણ સિન્ડિકેટ – ઇન્ડિકેટ એટલે કે કોંગ્રેસ – આઈ અને કોંગ્રેસ-ઓ નામનું ત્રીજું ભંગાણ તો ૧૯૬૯ની સાલમાં થયું જેની આશ્ચર્યજનક ઘટના `રિવોઈ’માં જોઈશું.
(લેખકશ્રી સાધના સાપ્તાહિકના ટ્રસ્ટી છે.)