શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદના વિવાદિત પરિસરનો સર્વે થશે, અલ્હાબાદ હાઈકોર્ટે કર્યો નિર્દેશ
લખનૌઃ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ પર અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે. હાઈકોર્ટે વિવાદિત જગ્યાનો સર્વે કરાવવાની માંગને સ્વીકારી લીધી છે અને જ્ઞાનવાપીની જેમ જ મથુરાના વિવાદિત પરિસરનો પણ સર્વે કરવામાં આવશે. એડવોકેટ કમિશનર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી દ્વારા સર્વે કરી શકે છે. એડવોકેટ કમિશનર કોણ હશે અને સર્વે ક્યારે શરૂ થશે તે અંગે 18મી ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે. આ સાથે 18મી ડિસેમ્બરે જ હાઈકોર્ટ એડવોકેટ કમિશનર દ્વારા કરવામાં આવનાર સર્વેની રૂપરેખા નક્કી કરશે. કોર્ટ 18 ડિસેમ્બરે થનારી સુનાવણીમાં તમામ પક્ષકારો પાસેથી આ સંબંધમાં અભિપ્રાય પણ માંગશે. તમામ પક્ષકારોના અભિપ્રાય સાંભળ્યા બાદ જ કોર્ટ આ મામલે પોતાનો નિર્ણય આપશે. 18 ડિસેમ્બરે જ નક્કી થશે કે એડવોકેટ કમિશનર કોણ હશે અને ક્યારે સર્વે શરૂ થશે. સુરક્ષા વ્યવસ્થા શું હશે અને સમગ્ર સર્વેનું સ્વરૂપ શું હશે.
આ અરજી હિન્દુ પક્ષના ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન કટરા કેશવ દેવ વતી દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે આ કેસમાં ચુકાદો આપ્યો છે. આ અરજી પર સુનાવણી પૂર્ણ કર્યા બાદ કોર્ટે 16 નવેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટ કમિશનરની નિમણૂક કર્યા પછી, હાઈકોર્ટ ઓર્ડર 7 નિયમ 11 હેઠળ મથુરા વિવાદ અંગે દાખલ કરાયેલા દાવાઓની જાળવણીની સુનાવણી કરશે. દરમિયાન હિન્દુ પક્ષ તરફથી આજે વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં મથુરા વિવાદ સાથે જોડાયેલા તમામ કેસોની એકસાથે સુનાવણી કરવાની અપીલ કરવામાં આવી છે. આ અરજી ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન કટરા કેશવ દેવ વતી પણ દાખલ કરવામાં આવી છે, શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને મથુરાની શાહી ઇદગાહ મસ્જિદ અંગે અત્યાર સુધીમાં કુલ 18 કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ તમામ કેસોની સુનાવણી અલાહાબાદ હાઈકોર્ટ સીધી કરી રહી છે. મથુરાની ડિસ્ટ્રિક્ટ કોર્ટના બદલે આ કેસોની સીધી હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી છે.