અમદાવાદઃ ગુજરાતમાં ટ્રાફિકના નિયમન માટે 9000થી વધુ ટીઆરબી જવાનો માનદ સેવા આપી રહ્યા છે. જેમાં પાંચ કે તેથી વધુ વર્ષથી સેવા આપતા 6400 ટીઆરબી જવાનોને છૂટા કરવાનો રાજ્યના ડીજીપી દ્વારા નિર્ણય લેવામાં આવતા ટીઆરબી જવાનોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. અને તમામ જિલ્લાઓમાં ટીઆરબી જવાનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ કલેક્ટર કચેરી બહાર ટીઆરબી જવાનોનો કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ કરાયો હતો.
ટીઆરબી જવાનોએ જણાવ્યું હતું કે અમે વર્ષોથી માનદ વેતનથી પ્રામાણિપણે સેવા બજાવી રહ્યા છીએ. એકસાથે 6400 જેટલા જવાનોની સેવા સમાપ્ત કરવાના નિર્ણયથી અમારા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનશે. છુટા કરેલા કેટલાક જવાનોની ઉંમર પણ વીતી ગઈ છે ત્યારે કે હવે કોણ નોકરી આપશે? કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, જો સરકાર ટીઆરબી જવાનોને ટ્રાફિક વિભાગમાં રાખવા ન માંગતી હોય તો અન્ય કોઈ વિભાગમાં સમાવેશ કરવો જોઈએ.
ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાંથી 6400 ટ્રાફિક બ્રિગેડ જવાનોને છૂટા કરવાનો નિર્ણય કરાયો છે. જેનો પરિપત્ર 18 નવેમ્બરે જાહેર થઈ ચૂક્યો છે. જે મુજબ 5 વર્ષ કરતા વધુ સમય ફરજ બજાવી હોય તેવા TRBને 30 નવેમ્બર સુધી ફરજ મુક્ત કરવા, 05 વર્ષ સુધી ફરજ બજાવી હોય તેને 31 ડિસેમ્બર સુધી મુક્ત કરવા અને જેને 03 વર્ષ પૂર્ણ થયેલા હોય તેને 31 માર્ચ 2024 સુધીમાં ફરજ મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ટીઆરબી જવાનોએ પોલીસવડાના નિર્ણય સામે બુધવારે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી સામે દેખાવો કર્યા હતા. જ્યાં તેમની સાથે યુવા નેતા યુવરાજસિંહ પણ સામેલ થયા હતા. ટીઆરબી જવાનોએ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. તેમને જણાવ્યું હતું કે લઘુતમ વેતન 470 રૂપિયા હોવા છત્તા TRB જવાનને 300 રૂપિયાનું પ્રતિદિન વેતન જ મળતું હતું. મહિનાના 27 દિવસ લેખે તેમને 8400 રૂપિયા વેતન મળતું હતું. પરંતુ હવે ઘર ચલાવવાનો પ્રશ્ન છે. જો સરકાર TRB જવાનને ટ્રાફિક વિભાગમાં રાખવા ન માંગતી હોય તો અન્ય કોઈ વિભાગમાં સમાવેશ કરવામાં આવે. કારણ કે લોકો વર્ષોથી TRBમાં કામ કરે છે. ત્યારે હવે તેમને અન્ય જગ્યાએ કામ મળી શકશે નહીં. મોટાભાગના ટીઆરબી જવાનો ગ્રેજ્યુએટ થયેલા છે.