મોરબીના સિરામિક ઉદ્યોગને અપાતા સીએનજી ગેસના ભાવ વધારા સામે અસંતોષ
મોરબીઃ ગુજરાત ગેસ કંપનીએ આગામી તા. 1લી નવેમ્બરથી ઉદ્યોગોને અપાતા સીએનજી ગેસના ભાવમાં વધારાની જાહેરાત કરતા તેની અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડશે. મોરબીનો સિરામિક ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીના માહોલમાં અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે. ત્યારે સીએનજી ગેસના ભાવ વધારાની સીધી અસર સિરામિક ઉદ્યોગ પર પડશે. દિવાળી ટાણે જ કામદારોને બોનસ આપવા સહિત અન્ય ખર્ચાઓ માટે ઉદ્યોગકારો નાણાની વ્યવસ્થામાં પડ્યા છે. ત્યારે જ સીએનજીમાં ભાવ વધારો આવી પડ્યો છે.
મોરબીમાં સીરામીક પ્રોડક્ટના ઉત્પાદન માટે ગુજરાત ગેસ કંપનીનો નેચરલ ગેસ ઉપયોગમાં લેવામાં આવે છે આ ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપની દ્વારા પ્રતિ કયુબિક મીટર ગેસના ભાવમાં રૂપિયા 2.40 નો વધારો કરવામાં આવ્યો છે જે આગામી તા 1/11/23 થી અમલમાં આવશે. જેથી કરીને ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થશે. મોરબીના સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો વપરાશ અગાઉ દૈનિક લાખો ક્યુબીક મીટર ગેસ વાપરવામાં આવે છે જો કે, મોરબીના ઉદ્યોગકારો દ્વારા છેલ્લા ઘણા માહિનાઓથી ગુજરાત ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે અને જે ગેસ સસ્તો હોય તેનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે. તેવામાં હાલમાં ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં 2.40 રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે જે આગામી તા 1/11/23 થી લાગુ પડશે અને આજની તારીખે જે ગેસ 47.10 રૂપિયાના ભાવથી આપવામાં આવે છે તે આગામી પહેલી તારીખેથી 49.50 ના ભાવથી ગેસ મળશે તેવું જાણવા મળ્યું છે.