Site icon Revoi.in

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં વિવિધ કમિટીઓમાં નિમણૂંકોને લીધે ભાજપના સભ્યોમાં વધ્યો અસંતોષ

Social Share

ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશનમાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણુંક બાદ વિવિધ કમિટીઓના ચેરમેનો અને સભ્યોની નિયુક્તિ કરી દેવાતા ભાજપના કોર્પોરેટરોમાં અસંતોષ જોગ્યા છે. વહાલા-દવલાંની નીતિ અખત્યાર કરી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે શનિવારે ભાજપના નારાજ કોર્પોરેટરોનું એક ગૃપ મ્યુનિ.કચેરીમાં એકત્ર થયું હતું અને નિમણૂંકો બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. આંતરિક ચર્ચા સાથે પાર્ટીમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા સહિતની બાબતો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિ.ના કોર્પોરેટરોના આંતરિક અસંતોષને ખાળવા માટે સરકારની મંજૂરી મળે તે પહેલા ભાજપ સંગઠન દ્વારા પ્રદેશની મંજૂરી લઇને 10 જેટલી સમિતિઓમાં ચેરમેન- વાઇસ ચેરમેન અને સભ્યોની નિમણૂંકો જાહેર કરી દેવામાં આવી હતી પરંતુ આ નિમણૂંકો જાહેર થયા બાદ અસંતોષ ઓછો થવાને બદલે વધારે વકર્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આંતરિક વિખવાદ હવે સપાટી પર આવી રહ્યો હોય તેમ મ્યુનિ.કચેરીમાં શનિવારે નારાજ જૂથના કેટલાક કોર્પોરેટરો એકત્ર થયા હતા અને તેમને થયેલા અન્યાય બદલ પાર્ટીમાં રજૂઆત કરવા સહિતની ચર્ચાઓ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની બીજી ટર્મમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની નિમણૂંક પહેલાથી જ આંતરિક વિખવાદ બહાર આવ્યો હતો અને પ્રદેશ ભાજપ દ્વારા અંગત રસ લઇને નિમણૂંકો કરી હતી. મુખ્ય ત્રણ હોદ્દા ના મળ્યા હોય તેવા કોર્પોરેટરોને સાચવવા માટે સમિતિઓની મંજૂરી નહીં મળી હોવા છતાં પાર્ટીએ કમિટીઓમાં ચેરમેન- વાઇસ ચેરમેનની યાદી જાહેર કરી હતી. અગાઉ સાત સમિતિની મંજૂરીની પ્રક્રિયા કરાઇ હોવા છતાં પાર્ટીએ વધુ કોર્પોરેટરો સાચવી શકાય તે હેતુથી 10 કમિટીઓ બનાવી હતી.  તેમ છતાંયે અસંતોષ ખાળવામાં પાર્ટીને સફળતા મળી નથી. મ્યુનિની વિવિધ સમિતિઓમાં પદાધિકારીઓ અને સભ્યોની નિમણૂંક બાબતે પણ અન્યાય થયો હોવાની પત્રિકા વાયરલ થઇ છે. પત્રિકામાં જણાવ્યું છે કે ધંધાકીય અને અન્ય રીતે સંકળાયેલાને હોદ્દા અપાયા છે. જે નગરસેવકોની શૈક્ષણિક લાયકાત અને વ્યવસાય હોય તેને તેવી કમિટીમાં સમાવવા જોઇએ. સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હોય તેમને પણ કમિટીના ચેરમેન બનાવાયા છે.