Site icon Revoi.in

ગુજરાત વિધાનસભામાં નિવૃત અધિકારીઓની પુનઃ નિયુક્તિ સામે કર્મચારીઓમાં અસંતોષ

Social Share

ગાંધીનગરઃ ગુજરાત સરકારમાં વય મર્યાદાને કારણે નિવૃત થતાં અધિકારીઓ અને કર્મચારીઓને કોન્ટ્રાક્ટ બેઝ પર પુનઃ નિયુક્તિ આપવામાં આવે છે. જેનો કર્મચારી મંડળ દ્વારા જ વિરોધ કરવામાં આવ્યો હતો. નિવૃત અધિકારીઓની પુનઃ નિયુક્તિને લીધે અન્ય કર્મચારીઓને બઢતીમાં વિલંબ થતો હતો. આથી અસંતોષ વધતા રાજ્ય સરકારે સચિવાલયમાંથી એક પછી એક નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓને રૂખસદ આપવાનું નક્કી કર્યુ છે, જ્યારે  ગુજરાત વિધાનસભામાં પણ નિવૃત્ત અધિકારીઓથી જ વહિવટ ચાલતો હોવાથી વિધાનસભાના જ કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો છે. નિવૃત્ત પછી એક વર્ષ કે બે વર્ષ નહીં, પણ સતત 13 વર્ષ સુધી નોકરી કરતા અધિકારીઓને નિવૃત્ત કરીને તેમની જગ્યાએ નવા અધિકારીઓને તક આપવી જોઇએ તેવી માગ ઉઠી છે.

ગુજરાત વિધાનસભામાં વહિવટી અધિકારીઓ વયમર્યાદાને કારણે નિવૃત થાય ત્યારબાદ આવા અધિકારીઓને પુનઃ નિયુક્તિ આપવામાં આવે છે. એટલે કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વિધાનસભામાં  પાંચ અધિકારીઓને નિવૃત્ત પછી પુનઃ નિયુક્તિ કરવામાં આવી છે. જેના કારણે વિધાનસભામાં નોકરી કરતા કર્મચારીને બઢતીની તક મળતી નથી. સચિવાયલમાં પણ આવી જ સ્થિતિ છે, નિવૃતિ બાદ કેટલાક વગદાર અધિકારીઓ પુનઃ નિયુક્તિ મેળવીને મલાઈદાર સ્થાનો પર ગોઠવાય જતા હોય છે. પરંતુ કર્મચારી મંડળે વિરોધ કર્યા બાદ સચિવાલયમાં વર્ષોથી નોકરી કરતા અધિકારીઓના કોન્ટ્રાકટ રિન્યૂ કર્યા નથી.

સચિવાલયના કર્મચારીઓના કહેવા મુજબ નિવૃત્ત અધિકારીઓને નોકરીએ રાખી સરકાર બેરોજગારોની નોકરીની તક છીનવી રહી છે ઉપરાંત કર્મચારીઓને બઢતીની  તક મળતી નથી. નિવૃત્ત કર્મચારીઓને કારણે બેરોજગાર અને રોજગાર મેળવતા એટલે કે જેઓ નોકરી પર છે તેમને બંનેને નુકસાન થાય છે.