ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે જ સરકારી કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન શરૂ કરતા સરકારે કર્મચારીઓના પ્રશ્ને સમાધાન માટે પાંચ મંત્રીઓની કમિટી બનાવી હતી. અને કર્મચારી મંડળો સાથે ચર્ચા બાદ સરકારે શુક્રવારે સાતમા પગાર પંચના બાકી હપતા તેમજ 1લી એપ્રિલ 2005 પહેલા ભરતી થયેલા કર્માચારીઓના GPF અને જૂની પેન્શન યોજનામાં સમાવાનો નિર્ણય કર્યો છે. એટલે કર્મચારીઓની જુનિ પેન્શન યોજનાની મૂળ માગનો સ્વીકાર ન કરાતા કર્મચારીઓમાં અસંતોષ વ્યાપ્યો છે. સમાધાનકારી મંઢલો અને યુનિયનોના અગ્રણીઓ સામે પણ કર્મચારીઓ બળાપો વ્યક્ત કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચાની વિવિધ માંગો સાથે શરૂ થયેલા આંદોલનનો શુક્રવારે દેખીતી રીતે અંત આવ્યો હોય તેમ લાગે છે. અડધો ડઝન બેઠકો બાદ સરકારે કર્મચારી મહામંડળની વિવિધ 15 જેટલી માંગણી ઉકેલી હોવાની જાહેરાત કરી છે. પરંતુ જૂની પેન્શન સ્કીમના મુદ્દાને ઢાલ બનાવી કર્મચારી મહામંડળ અને રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના આગેવાનો આંદોલન કરી રહ્યાં હતાં. પરંતુ સરકારે આ જ મુદ્દો વિચારાધીન રાખ્યો છે. આગેવાનો અને સરકાર કહી રહી છે કે આ મુદ્દે હજુ પણ ચર્ચા ચાલુ રહેશે. સરકારે હડતાળિયા કર્મચારીઓને આડકતરી ચીમકી આપી ફરજ પર હાજર થવા કડક સૂચના પણ આપી છે. સરકાર જૂની પેન્શન યોજનાનો આંશિક અમલ કરશે. સરકારે કુટુંબ પેન્શન યોજનાનો સ્વીકાર કર્યો છે. આ યોજના 1-4-2005માં નોકરીએ લાગ્યા છે તે કર્મચારીઓ માટે છે, વર્ષ 2005 પહેલાં ભરતી થયેલાને જૂની પેન્શન યોજના અને ભારત સરકારનો વર્ષ 2009નો કુટુંબ પેન્શન યોજનાનો ઠરાવ સરકારે સ્વીકાર્યો છે. જેમાં વર્ષ 2009ના કેન્દ્ર સરકારના ઠરાવ મુજબ કર્મચારીના મૃત્યુના કિસ્સામાં કેન્દ્રના ધોરણે કુટુંબ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે.
ગુજરાત સરકારે 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાની જાહેરાતનો વિરોધ કરતા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતું કે, એ યોજના તો ચાલુ જ છે, અમારી માંગ 2005 પછી નોકરીમાં જોડાયેલા તમામ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાની માંગ હતી. જેથી અમે સરકારના આ નિર્ણયનો સખત વિરોધ કરીએ છીએ, આજે શનિવારે સરકાર સમક્ષ લેખિતમાં વિરોધ નોંધાવવામાં આવશે. રાજસ્થાન સરકારની જેમ જ ગુજરાતમાં નવી પેન્શન સ્કીમ ( NPS) રદ કરવામાં આવે તેવી માંગણી છે. (file photo)