Site icon Revoi.in

રાજકોટના લોકમેળામાં સરકારે સ્ટોલ્સ-પ્લોટ્સના ભાડામાં વધારો કરતા વેપારીઓમાં અસંતોષ

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને જન્માષ્ટમીના પર્વમાં ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. જેમાં સૌથી મોટો લોકમેળો રાજકોટમાં 5 દિવસનો યોજાય છે. આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા રંગીલા રાજકોટના લોકમેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે તંત્ર દ્વારા મેળામાં સ્ટોલ અને પ્લોટ્સના ભાવમાં વધારો કર્યો છે. જેથી વેપારીઓમાં તંત્ર સામે અસંતોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા જન્માષ્ટમીના તહેવારો પર રેસકોર્સ મેદાનમાં તા.24 થી 28 ઓગસ્ટ સુધી પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં વિવિધ સ્ટોલ-પ્લોટ મેળવવા માટેના અરજી ફોર્મનું વિતરણ પ્રાંત 1 અને ઇન્ડિયન બેંકમાંથી કરવામાં આવી રહી છે. લોકમેળાના દરેક સ્ટોલ-પ્લોટ ધારકોએ રૂ.50 ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઈઝ સોગંદનામું રજૂ કરવાનું રહેશે. જેમાં નાની રાઇડઝના રૂ. 35 તો નવી રાઇડ્ઝના રૂ. 45 લેવામાં આવશે. રાઇડ્ઝમાં રૂ. 5-5 તો સ્ટોલના ભાવમાં 12 ટકા જેટલો વધારો નોંધાયો છે. જોકે, વેપારીઓનો આક્ષેપ છે કે, 12 ટકાના વધારાના નામે 30થી 40 ટકાનો વધારો ઝીંકી દેવામા આવ્યો છે. જેથી વેપારીઓએ ઓછા ફોર્મ ભર્યા છે. આ દરમિયાન 312 ફોર્મ ઉપાડ્યા છે પરંતુ, સામે 53 ફોર્મ જ ભરાયા છે. જેથી, કલેકટર દ્વારા 26મી સુધીની તારીખ લંબાવવામાં આવી છે.

સૂત્રોના કહેવા મુજબ રાજકોટના લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા સ્ટોલ-પ્લોટ માટેના અરજીપત્રક કિંમત રૂ.200 નિયત કરવામાં આવી છે. તા.26 જુલાઈ સુધી સવારે 11 થી સાંજે 4 કલાક દરમિયાન અરજીપત્રક (1) ઈન્ડિયન બેન્ક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ તેમજ (2) નાયબ કલેક્ટર કચેરી, પ્રાંત રાજકોટ શહેર-1, જૂની કલેક્ટર કચેરી, રાજકોટ ખાતેથી ફોર્મ આપવામા આવી રહ્યા છે. ભરેલા અરજી ફોર્મ તા.26 જુલાઈ દરમિયાન ઈન્ડિયન બેન્ક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન, રાજકોટ ખાતે નિયત સમયમાં, નિયત અરજી ફોર્મમાં બતાવેલી રકમના ડીમાન્ડ ડ્રાફ્ટ સાથે સ્વીકારવામાં આવશે. બધી યાંત્રિક કેટેગરીઓ ઈ-એફ-જી-એચની હરાજીમાં ભાગ લઈ શકશે. હરાજીવાળી કેટેગરીઓમાં ફોર્મ ભરેલા આસામીઓએ અપસેટ પ્રાઈઝથી ઉપરની બોલી લગાવવાની રહેશે. કેટેગરી-જે અને કેટેગરી-કેનું ફોર્મ ભરનારા આસામીએ રાજકોટ મહાનગર પાલિકાના રેસકોર્સ મેદાન ખાતેના એલોટમેન્ટ લેટર રજૂ કર્યા હશે તે આસામીઓનું ફોર્મ સ્વીકારવામાં આવશે. એક એલોટમેન્ટ લેટરવાળા ગમે તે એક જ કેટેગરીમાં ફોર્મ રજૂ કરી શકશે. કેટેગરી-જે તથા કેટેગરી-કે માટેના પ્રવેશદર મહત્તમ રૂ.35 લેવાના રહેશે. તેમજ કેટેગરી ઈ, એફ, જી, એચ (યાંત્રિક) આઈટમોના પ્રવેશદર મહત્તમ રૂ.45 લેવાના રહેશે. લોકમેળાનો નકશો (લે-આઉટ પ્લાન) નાયબ કલેક્ટર કચેરી, રાજકોટ શહેર-1 પ્રાંત, જૂની કલેક્ટર કચેરી, રાજકોટ ખાતે નોટિસ બોર્ડ ઉપર કચેરી સમય દરમિયાન જોઈ શકાશે. દરમિયાન વેપારીઓ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, લોકમેળા સમિતિ દ્વારા આ વખતે સ્ટોલ અને પ્લોટ્સ ઘટાડ્યા હોવાથી ભાવમાં 12 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે, પરંતુ હકીકતમાં 30 થી 40% જેટલો ભાવ વધારો કરી નાખવામાં આવ્યો છે જે વેપારીઓને પોસાય તેમ નથી અને તેને કારણે હજુ સુધી માત્ર 53 જ ફોર્મ ભરાઈને આવ્યા છે અત્યારસુધીમાં 312 ફોર્મ ઉપડ્યા છે.