સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજોના અધ્યાપકોના પડતર પ્રશ્નોનું નિરાકણ ન કરાતા નારાજગી
અમદાવાદઃ રાજ્યની સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકોના ઘણા પ્રશ્નો લાંબા સમયથી પડતર છે. આ અંગે અધ્યાપકોના મંડળ દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારને રજુઆતો કરવામાં આવી હતી. અને મંડળના હોદેદારો સાથે પડતર પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ કરવા જરૂરી સહમતી દર્શાવેલ હતી. મંડળના હોદેદારો સાથે તત્કાલીન શિક્ષણ મંત્રી , શિક્ષણ વિભાગ અને ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરીના અધિકારીઓની હાજરીમાં CAS તેમજ પ્રમોશન સહિતના કેટલાક પ્રશ્નોનુ સમયમર્યાદામાં યોગ્ય નિરાકરણ લાવવા શિક્ષણ મંત્રી દ્વારા સ્પષ્ટ સુચના હતી પરંતુ આજ દિન સુધી યોગ્ય નિરાકરણ કરાયું નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના ટેકનીકલ શિક્ષણ વિભાગમાં આશરે 600 જેટલા કોર્ટ કેસો છે. જેથી સરકારી ઇજનેરી કોલેજોના અધ્યાપકોમાં અન્યાય, ભેદભાવ તેમજ નિરાશાની લાગણી પ્રવર્તી રહી છે. આ સંજોગોમાં જેથી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર અધ્યાપકોને સમયમર્યાદામાં ન્યાય આપે તેવી માગ કરાઇ છે. જે પ્રશ્નો પડતર છે તેમાં અધ્યાપકો માટે રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ, 2022માં CAS આપવા માટેની શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત અને પરિપત્ર કરી દેવામાં આવ્યો હતો. પણ ટેકનીકલ શિક્ષણ માટે CAS આપવા અંગે કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. આ ઉચ્ચતર પગાર ધોરણ પ્રાથમિક શિક્ષણથી લઈ ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ શિક્ષકો / અધ્યાપકો ને મળી ગયો છે, માત્ર ટેકનીકલ શિક્ષણના અધ્યાપકોને જ તેમના આ હક થી વંચિત રાખવામાં આવ્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2012થી અપવાદરૂપ કિસ્સાઓ બાદ કરતા સહાયક પ્રાધ્યાપકથી સહ પ્રાધ્યાપક સંવર્ગમાં બઢતીઓ અપાઈ નથી. સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજના ઘણા અધ્યાપકો 5 કે તેથી વધુ વર્ષોથી પોતાના વતનથી દ્દુર ફરજ બજાવી રહ્યા છે. તેમને પોતાના વતન/તેમને પસંદ હોય તે સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજ માં બદલી કરવા સ્વવિનંતી માટે અરજીઓ કરવામાં આવી હોવા છતાં ઘણા સમયથી છતાં નિકાલ થયો નથી. સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકોની એડહોક સેવાને નિયમિત નિમણૂંક સાથે સેવા સળંગ કરવા બાબતની કાર્યવાહીનો છેલ્લા 10થી વધારે વર્ષોથી કોઈ હકારાત્મક ઉકેલ આવ્યો નથી. છેલ્લા ઘણા વર્ષોથી ટેકનીકલ શિક્ષણ વિભાગ હસ્તકની સરકારી ઈજનેરી કોલેજો ખાતે વર્ગ-3 તેમજ વર્ગ-4 કર્મચારીઓ ભારે માત્રમાં અછત છે. રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકોના ઘણા પ્રશ્નો ખુબજ લાંબા સમયથી પડતર છે. સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પડતર પ્રશ્નોની રજૂઆત માટે મંડળના હોદેદારો સાથે મુલાકાત પડતર પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ જરૂરી સહમતી દર્શાવેલ હતી પરંતુ હજી પ્રશ્નો વણઉકેલ છે. (file photo)