ભાવનગરઃ મહુવા નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ 90 જેટલા સફાઈ કામદારોને છુટા કરી દેતા સફાઈ કામદારોમાં અસંતોષ ઊભો થયો છે. સફાઈ કામદારોએ નગરપાલિકા ગ્રાઉન્ડમાં બેસીને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. એકસાથે 90 સફાઈ કામદારોને છૂટા કરી દેવાતા તેમના પરિવારની આજીવિકા છીનવાઈ ગઈ છે.
મહુવા નગરપાલિકાએ બે મહિના પહેલા નવા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાકટ આપ્યો હતો. જેથી જુના કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા 90 સફાઈ કામદારોને આજીવિકા ગુમાવવી પડી છે. નવા કોન્ટ્રાક્ટરે જુના સફાઈ કામદારોને કારણ વગર છૂટા કરી બહારથી નવા કામદારો લાવતા સફાઈ કર્મચારીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 90 જેટલા સફાઈ કામદારોનો આજીવિકા અંગે પ્રશ્ન ઉપસ્થિત થતા જુના કામદારોએ નગરપાલિકા કચેરીમાં બેસીને નારા લગાવ્યા હતા.
મહુવા નગરપાલિકા પ્રમુખ સહિત જવાબદાર અધિકારીઓ દ્વારા આ અંગે વહેલી તકે યોગ્ય ઉકેલ નહિ આવે તો સફાઈ કામદારો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારી હતી. શુક્રવારે રાત્રિના સફાઈ કર્મચારીઓએ નગરપાલિકાના પ્રમુખ તેમજ ધારાસભ્યની પણ મુલાકાત કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતા શનિવારે સફાઈ કામદારો નગરપાલિકાના ગ્રાઉન્ડમાં બેસી નારેબાજી કરી હતી. થોડા દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે અને કલેક્ટરને આવેદનપત્ર પણ અપાશે. નવા કોન્ટ્રાકટરે બહારગામથી સફાઈ કામદારો લાવતા વર્ષોથી કામ કરતા સ્થાનિક સફાઈ કામદારોને આજીવિકા ગુમાવવી પડી છે. સફાઈ કામદારોએ એવી માગણી કરી છે. કે, નવા કોન્ટ્રાકટરને જે કામદારો કામ કરી રહ્યા છે. તેમને છૂટા નહીં કરાવની ફરજ પાડવી જોઈએ. આ અંગે રજુઆત કરવા છતાંયે નગરપાલિકાના સત્તાધિશો સંતોષકારક જવાબ પણ આપતા નથી. આથી સફાઈ કામદારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.